લોકશાહીના મહાપર્વમાં રાજ્યના ચુંટણી પંચ દ્વારા મતદારોને સહપરિવાર મતદાન માટે પાઠવવામાં આવેલી આમંત્રણ પત્રિકા રૂબરૂ પાઠવી
વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની.
પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવા અંગેનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
મહીસાગર જીલ્લાની વાત કરીએ તો, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં જીલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ગૌરવભેર ઉજવણી કરે તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના ભગીરથ પ્રયાસો કરાઈ રહ્યા છે.
જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારી દ્વારા મહિલા પશુપાલક સાથે મતદાર જાગૃતિ અંતર્ગત સંવાદ સાધ્યો હતો. આ લોકસાહિના પર્વમાં ઉત્સાહ સાથે જોડાઈ અચૂક મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિક કરે અને ઉપસ્થિત મહિલાઓએ ખાતરી આપી હતી કે અમે તો મતદાન કરવા જશું જ પણ સાથે ગામની દરેક મહિલાઓને જોડે લઈ જઈ મતદાન કરીશું.
આગામી મે મહિનાની 7 મી તારીખે લોકશાહીના મહાપર્વની ઉજવણી મહીસાગર જીલ્લામાં કરવામાં આવનાર છે, ત્યારે જીલ્લાના મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જીલ્લાના મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી મતદાન મથકોની મહિલાઓને આમંત્રણ પત્રિકાઓ જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારી અને જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ દ્વારા પાઠવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ ,પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર, પ્રાંત અધિકારી આનંદ પાટીલ,નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત ઉપસ્થિત રહ્યા હતા.