મહીસાગર જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખેલમહાકુંભ 2.0 અને કલા મહાકુંભના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

  • ખેલમહાકુંભ થકી જીલ્લાની યુવા પ્રતિભાઓને શ્રેષ્ઠ મંચ પ્રદાન થાય તે માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન સુનિશ્ર્વિત કરવા સંબંધિત અધિકારીને સૂચના આપતા કલેક્ટર ભાવિન પંડયા.

મહીસાગર,મહીસાગર જીલ્લાની યુવા પ્રતિભાને ખેલકૂદ અને કલા મંચ પ્રદાન કરવાના આશય સાથે મહીસાગર કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ 2.0 અને કલામહાકુભમાં રજીસ્ટ્રેશન અને પાર્ટીસીપેશન અંગે જીલ્લા-તાલુકાના અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી.

જીલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જણાવ્યું કે, આપણો જીલ્લોના નવ યુવાનો કલા અને ખેલ પ્રત્યે ખૂબજ રસ ધરાવે છે. માટે જ રમત-કલા સ્પર્ધામાં વધુમાં વધુ બાળકો, સ્પર્ધકો સહભાગી થાય તે માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે અને પોતાની ભાગીદારી નોંધાવે તે સુનિશ્ર્વિત કરવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ખેલ મહાકુંભ 2.0ના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય, તાલુકા, જીલ્લા, કક્ષાએ યોજાનાર તબક્કાવાર સ્પર્ધામાં 9 થી 60 વર્ષ સુધીના વયજૂથના ખેલાડીઓ અલગ-અલગ સ્પર્ધાઓ જેવીકે એથ્લેટીક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને જીલ્લાને વધુ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંક સુધી પહોંચવા મહત્તમ પ્રયત્નો કરવા મામલતદારઓને તાલુકા કક્ષાએ બેઠક યોજીને રજીસ્ટ્રેશનની કામગીરી વેગવંતી બનાવવા જણાવ્યું હતું. સાથે જીલ્લાની તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી પોતાની મનગમતી સ્પર્ધામાં ભાગ લે તેવી અપીલ પણ કરી હતી.

સાથો સાથ જીલ્લામાં કલામહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશન ઓફલાઈન રહેશે. જેમાં તાલુકાકક્ષાએ વિવિધ કૃતિઓની સ્પર્ધા યોજાશે. જે જીલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા સુધી શ્રેષ્ઠ કૃતિઓને તબક્કાવાર લઈ જવામાં આવશે. જીલ્લામાંથી કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેના ઉપર ભાર મૂકતા જીલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓમાં બંન્ને સ્પર્ધાઓનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર સી.વી.લટા, જીલ્લા રમત ગમત અધિકારી હર્ષાબેન,જીલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન, જીલ્લા આરોગ્ય અધિકારી, તમામ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ રમતના કોચ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.