લુણાવાડા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુસાશનના નવ વર્ષમાં અનેકોનેક ઉપલબ્ધિઓ અને અસંખ્ય જનકલ્યાણ લક્ષી યોજનાઓના સફળ અમલીકરણ સાથે સેવા અને ગરીબ કલ્યાણ માટે સરકાર સંકલ્પબધ્ધ છે, તેમ જણાવતાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત 30 મેથી 30 જૂન સુધી યોજાનાર કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
સાંસદ રતનસિંહ રાઠોડે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ, 11.88 કરોડ નળના પાણીના જોડાણો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધુ શહેરી અને ગ્રામીણ મકાનો, સ્વચ્છ ભારત અંતર્ગત 11.72 કરોડ શૌચાલયોનું નિર્માણ, પીએમ સ્વનિધિ દ્વારા 34.45 લાખ શેરી વિક્રેતાઓને નાણાંકીય સહાય મળી, નાના ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયના વિસ્તરણ માટે મુદ્રા યોજના હેઠળ લગભગ 39.65 કરોડની લોન, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસને બંધારણીય દરજ્જો, કોવિડ લોકડાઉન દરમિયાન 20 કરોડ મહિલાઓના ખાતામાં રોકડ ટ્રાન્સફર, સ્ટેન્ડ અપ ઈન્ડિયા હેઠળ SC અને ST લાભાર્થીઓને રૂા. 7,351 કરોડથી વધુની લોન, 2014 પહેલા કરતાં પાંચ ગણી વધુ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલોની મંજૂરી, આસ્થાના કેન્દ્રોનો વિકાસ, રૈયોલી, માનગઢ, પ્રવાસન સ્થળના વિકાસ કાર્યો સહિત યોજનાઓ ઉપરાંત જનસુખાકારીની કામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મહીસાગર જિલ્લામાં અનેકવિધ યોજનાઓના લાભોની સાથે સાથે મહીસાગર જિલ્લામાં મેડિકલ કોલેજની મંજૂરી, પૂર્ણતાની આરે પહોંચેલી જિલ્લાની હોસ્પિટલ, જિલ્લા મથક લુણાવાડા બાયપાસ રોડ, તળાવો ભરવાની યોજના વગેરે વિકાસ કાર્યો પ્રધાનમંત્રીના સફળ નેતૃત્વના પગલે શકય બન્યા છે, તેમ જણાવ્યું હતું.
આ કોન્ફરન્સમાં બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ, જયેન્દ્રભાઈ બારોટ, પ્રદીપસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.