લુણાવાડા,મહિસાગર જિલ્લાના બાળકોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધોર અન્યાય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ મહિસાગર એટલે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટરો દ્વારા વર્ષમાં ચાર વાર શાળાના બાળકોની તપાસણી કરાય છે. જે બાદ તમામ વિગત આરોગ્ય વિભાગ દ્વારા સરકારની વેબસાઈટ ઉપર એન્ટ્રી કરવાની હોય છે. પરંતુ આ એન્ટ્રીઓ ખોટી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહિસાગર જિલ્લાન 1542 શાળામાં જઈને અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન(એચ.બી.)ની તપાસ કરેલ છે.તા.15 સપ્ટે.થી 15 ડિસેમ્બર 2023 સુધીમા જિલ્લામાં 1.77 લાખની આસપાસ બાળકોને તપાસ્યા છે. જેમાં એચ.બી.ના 99 હજાર જેટલા ટેસ્ટ કરાયા છે. ત્યારે આ દરમિયાન શાળાઓમાં દિવાળી વેકેશન, નવરાત્રિ તેમજ રવિવાર સહિત અન્ય 40 થી 45 રજાઓ હતી. તો આ સમયમાં એટલા બધા બાળકો તપાસ્યા કેમના એ મોટો સવાલ ઉભો થયો હતો. જેને લઈ જાગૃત અરજદાર દ્વારા ઉંડાણપુર્વક ન્યાયિક અને તટસ્થ તપાસ કરી બાળકોને ન્યાય અપાવાય તેવી ઉગ્ર માંગણી સાથે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને અરજી કરાઈ છે. જે સમાચાર પ્રસિદ્ધ થતાં મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આર.સી.એચ.ઓ.ને તપાસ સોંપાઈ છે. ત્યારે આરોગ્ય વિભાગના ગોલમાલની તપાસ આરોગ્ય વિભાગ ન્યાયિક અને તટસ્થ કરે છે કેમ એ જોવાનુ રહ્યુ. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક મિટીંગ બોલાવવામાં આવી અને દરેક પી.એચ.સી/એસ.સી.વાઈઝ એચ.બી.મીટર(ડીજીટલ)મશીનની ખરીદી કરેલ સંખ્યા, ખરીદી કરેલ એચ.બી.સ્ટ્રીપની સંખ્યા, વપરાશ કરેલ સ્ટ્રીપની સંખ્યા, બચત કરેલ સ્ટ્રીપની સંખ્યા, સહિતની તાત્કાલિક માહિતી મંગાવવામાં આવી છે.