જે રીતે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મહીસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જીલ્લાના અન્ય તાલુકા ખાનપુર સંતરામપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ચાર કલાકમાં સાડા 5ઇંચ વરસાદે જ્યાં જુવો ત્યાં પાણી પાણી કરી દીધું છે.
મહીસાગર જીલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતાં મુખ્ય સ્ટેટ હાઇવે હાલોલ શામળાજી રોડ પરના કે જ્યાં હાઇવે માર્ગ પર ભારે પાણી ભરાયા છે. જેના કારણે આખો હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી ઢીંચણ સમા પાણી ભરાયા હતા. બીજી તરફ વરધરી રોડ ઉપર આવેલ જયનગર સોસાયટી,યોગેશ્ર્વર સોસાયટી સહિતની અલગ અલગ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા હતા. જ્યારે લુણાવાડા થી અમદાવાદ ને જોડતા હાઇવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.