મહીસાગર ક્લેક્ટર દ્વારા સંવેદના અને માનવીય અભિગમ દાખવી કચેરી છોડી પટ્ટાંગણમાં સ્વાતંત્રય સેનાનીનું કરાયું સન્માન

  • સ્વાતંત્રય સેનાની સુમિત્રાબેન પાઠકનું કલેક્ટર દ્વારા સન્માન કરાયું.
  • કલેક્ટરશી ભાવિન પંડ્યા દ્વારા કચેરી છોડી નીચે આવી સ્વાતંત્રય સેનાનીનું સન્માન કરાયું.

મહિસાગર, આજે ભારતનું વિશ્ર્વમાં એક આગવું સ્થાન છે અને ભારત દરેક ક્ષેત્રે સતત નવા શિખરો સર કરી રહ્યું છે. બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌએ આઝાદીની લડાઈમાં આપેલા ફાળાને અનેક રીતે આપણે વારંવાર વાગોળતા હોઈએ છીએ. આમ છતાં કોઈક કારણોસર ઘણા એવા લોકો છે. જેણે દેશની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું પરંતુ તેમની નોંધ એનકેન કારણોસર આપણે લઈ શક્યા નથી, તેઓને આપણે નવી પેઢી સમક્ષ રજુ કરી શક્યા નથી. આવા તમામ દેશના ઋણીઓ માતૃભુમિના સપુતોને આપણે આઝાદીના આ અમૃત પર્વ દરમ્યાન યાદ કરવા એ આપણી નૈતિક ફરજ છે. મહીસાગર જીલ્લાના સ્વાંતત્રય સેનાની પાઠક સુમિત્રાબેન અંબાલાલ પણ આવા જ એક આઝાદીની લડતમાં સક્રિય ભાગ ભજવનાર વિરાંગના છે, જેણે આઝાદી માટે આપેલા અમુલ્ય ફાળા બદલ આજે મહીસાગર કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

કમિશ્ર્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત મહીસાગર જીલ્લા વહિવટી તંત્ર વતી કલેક્ટર મહીસાગર ભાવિન પંડ્યા દ્વારા એસ.પી. રાકેશ બારોટ, ટ્રેઈની આઈએએસ મહેંક જૈન, જીલ્લા અગ્રણી અજય દરજી તથા અન્ય વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં મહીસાગર જીલ્લાના વતની અને આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વાતંત્રય સેનાની પાઠક સુમિત્રાબેન અંબાલાલ અને તેમના પરિવારજનોનું શિલ્ડ, શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું.

અહીં નોંધનીય છે કે, સુમિત્રાબેન ચાલી શકે તેવી પરિસ્થિતીમાં ન હોવાથી તેમને વ્હીલચેરમાં બેસાડી કલેક્ટર કચેરીમાં પહોંચાડવાને બદલે કલેક્ટર મહિસાગર દ્વારા સ્વાતંત્રય સેનાની પ્રત્યે સંવેદના અને માનવીય અભિગમ દાખવી કલેક્ટર કચેરીના પટ્ટાંગણમાં નીચે આવી બધા અધિકારીઓને સાથે રાખી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરએ તેઓએ દેશ માટે કરેલા કાર્યો માટે આભાર વ્યક્ત કર્યો હતો તથા આપ અમારા જેવા લાખોને પ્રેરણા પુરી પાડનાર છો અને રહેશો તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.