મહીસાગર કલેક્ટર દ્વારા અરજી કરવા અક્ષમ નાગરીકનું વગર અરજીએ સ્વાગતમાં સ્વાગત કરાયું

મહીસાગર,સમસ્યાઓના ત્વરિત સમાધાન કરતા કાર્યક્રમ સ્વાગત થકી નાગરિકોના વણ ઉકેલ્યા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવે છે. અરજદારોએ આ કાર્યક્રમ થકી વર્ષોથી ચાલી આવતી ઘણી સમસ્યાઓના ઉકેલ મેળવ્યા છે. ત્યારે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પુર્ણ થવાના અવસરે જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે, મહીસાગર જિલ્લાની ખાનપુર મામલતદાર કચેરી ખાતે મહીસાગર કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોએ પોતાની સમસ્યાઓના ઉકેલ કે સમાધાન મળતા સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

સમગ્ર રાજ્યમાં તાલુકા સ્વાગત ચાલી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના 79 વર્ષના કાંતિભાઈ પંડ્યાને ટેલિવિઝનનાં માધ્યમથી જાણ થયેલ કે સમગ્ર રાજ્યમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ ચાલી રહેલ છે. ત્યારે તેઓને જાણ થતાં આજ રોજ તેઓ ખાનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને તેઓને તાલુકા સ્વાગતમાં અરજી કેવી રીતે કરવી તેની જાણકારી ન હતી કે તેઓ અરજી કરવા સક્ષમ ન હતા. જેથી વગર અરજીએ તેઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેકટર ભાવિન પંડ્યાને જાણ થતા તેઓએ અરજદારને પ્રશ્ર્ન સાથે આવકાર્યા હતા. કાંતીભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી તેઓને વીજળીના ટેમ્પરરી મીટરની ડિપોઝિટ પરત મળેલ નથી અને ઘણા બંધા ધક્કા ખાવા છતાં પણ તેમનું કામ થયું ન હતું. જેની રજૂઆત કલેક્ટર દ્વારા ધ્યાન પૂર્વક સાંભળી તાત્કાલિક ત્યાં ઉપસ્થિત સંબંધિત અધિકારીને જણાવી તેઓને આવતી મુશ્કેલીઓ દુર કરી ડિપોઝિટ એક સપ્તાહની અંદર મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી. કાંતિભાઈ પંડ્યા આ પ્રક્રિયાથી ખુબ ખુશ જોવા મળ્યા હતા અને તેઓએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.