મહિસાગરના નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો રાજય વીમાંના નાણાંથી વંચિત-ગ્રેજયુટી રજાઓનો રોકડમાં રૂપાંતર સહિતના નાણાં માટે ધરમ ધકકા

કોઠંબા, મહિસાગર જિલ્લા પંચાયત હેઠળ આવતી જિલ્લા શિક્ષણ સમિતિના છેલ્લા બે વર્ષથી નિવૃત્ત થયેલા પ્રાથમિક શિક્ષકો રાજય વિમાના નાણાંથી આજદિન સુધી વંચિત છે. શિક્ષણ શાખાના તુમાખીભર્યા વલણ અને ઉડાઉ જવાબથી રિટાયર્ડ શિક્ષકો નારાજ થયા છે. જિલ્લાના એક શિક્ષક ત્રણ-ત્રણ એવોર્ડની સન્માનિત અને એસ.ટી.નિગમે જેમની કદર કરી આજીવન ફ્રી પાસ આપ્યો છે. તેવા શિક્ષકનુ પણ મહિસાગર શિક્ષણ સમિતિના જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપતા નારાજગી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયતના વય નિવૃત્ત થયેલા પ્રા.શિક્ષકોને મળવાપાત્ર થતાં લાભો પૈકી ગ્રેજયુટી, રજાઓનુ રોકડમાં રૂપાંતર, વન થર્ડ રૂપાંતરિત રકમ અને રાજય વિમા જેવી રકમ ચુકવવાની થતી હોય છે. જેમાંથી રાજય સરકારના પેન્શન નિયામકશ્રીની કચેરીથી ચુકવાતી રકમો નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને સમયસર મળે છે. જયારે રાજય વિમાના જનરલ પ્રોવિડન્ડ ફંડના તથા રાજય વિમાના નાણાં ચુકવવામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા અક્ષમ્ય વિલંબ અને બેદરકારી રાખતી હોવાનુ પ્રકાશમાં આવેલ છે. કેટલાક જાગૃત અને આ જિલ્લાના વતની શિક્ષકો અત્યંત વિલંબ થયા પછી લાંબા સમય સુધી રાહ જોયા બાદ વર્ષે કે દોઢ વર્ષે ફરજ પરના કર્મચારીઓ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને ઉડાઉ અને બેજવાબદારીભર્યા જવાબો આપી અપમાન કરે છે.