મુંબઇ, બોમ્બે હાઈકોર્ટનું કહેવું છે કે ટૂંકા કપડામાં મહિલાઓના ડાન્સ કે હાવભાવને અશ્લીલતા ન કહી શકાય. કોર્ટનું કહેવું છે કે આને અનૈતિક કૃત્ય પણ ન ગણી શકાય, જેના કારણે કોઈ પરેશાન થાય. સુનાવણી દરમિયાન, કોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૨૯૪ (અશ્લીલતા) હેઠળ પાંચ લોકો વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરી.જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી મેનેઝીસની ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
કોર્ટે કહ્યું, ’અમારું માનવું છે કે આરોપી ક્રમાંક નંબર ૧૩થી ૧૮ (મહિલા ડાન્સર)ના ટૂંકા સ્કર્ટ પહેરીને, ઉશ્કેરણીજનક ડાન્સ કરવા અથવા હાવભાવ કરવા જે પોલીસ અધિકારીઓ દ્વારા અશ્લીલ માનવામાં આવતા હતા તેને અશ્લીલ કહી શકાય નહીં.’
બેન્ચે કહ્યું કે તેઓ ભારતીય સમાજના વર્તમાન ધોરણોથી વાકેફ છે, પરંતુ આજના સમયમાં મહિલાઓ માટે આવા કપડાં પહેરવા સામાન્ય અને સ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું, ’અમે ઘણીવાર ફિલ્મોમાં કપડાં પહેરવાની રીતો જોઈએ છીએ, જે સેન્સરશીપ અથવા બ્યુટી કોન્ટેસ્ટમાં પાસ થઈ ગઈ હોય, જેના કારણે કોઈને પણ કોઈ સમસ્યા ન થઈ રહી હોય. આ મામલામાં આઇપીસીની કલમ ૨૯૪ લાગુ પડતી નથી.
પોલીસે એક રિસોર્ટ અને વોટર પાર્કના બેક્ધ્વેટ હોલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં છ મહિલાઓ કથિત રીતે ટૂંકા સ્કર્ટ પહેરીને ડાન્સ કરી રહી હતી અને લોકો તેમના પર પૈસા ઉડાવી રહ્યા હતા. પોલીસે મહિલા અને પુરૂષ બંને સામે ગુનો નોંધ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે ૫ શખ્સો સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરી હતી. કોર્ટનું કહેવું છે કે જો આ કૃત્ય સાર્વજનિક સ્થળે કરવામાં આવે તો અશ્લીલ હોય છે અથવા કોઈને મુશ્કેલી પહોંચાડે છે, તો કલમ ૨૯૪ લગાવી શકાય છે. જોકે આ મામલો સાર્વજનિક સ્થળે હતો, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે ન તો તે અશ્લીલ છે અને ન તો તેનાથી કોઈને તકલીફ થઈ રહી છે.