દાહોદ,રાજ્યમાં દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. દાહોદના લીમડી બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે ૪ મહિલાઓ ઝડપાઇ છે. ચાર મહિલાઓ પોતાના શરીર પર સેલોટેપની મદદથી દારૂનો જથ્થો બસમાં લઇ જતી હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ૪ મહિલાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે મહિલાઓ પાસેથી દારૂની ૩૬૬ બોટલો જપ્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ચાર આરોપી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓ અગાઉ દારૂના જથ્થા સાથે ઝડપાઇ ચૂકી હતી.
થોડા દિવસ અગાઉ રાજકોટમાં દારુની રેલમછેલ થતા પોલીસે અટકાવી હતી. રાજકોટના હીરાસર જીઆઇડીસીમાં બે ટ્રકમાંથી ૧૫૦૦ પેટી દારુ પોલીસે ઝડપ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત ૮૦ લાખથી વધુ હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ વિસ્તારમાં ૨ અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને ટ્રકના ડ્રાઇવરોની અટકાયત કરવામાં આવી હતી. ભૂંસાની ગુણીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.પંજાબથી દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. એક ટ્રક ગુજરાત પાસિંગનો હતો જ્યારે બીજો ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું હતુ.