મહિલાઓ બની રણચંડી:જૂનાગઢમાં રસ્તાઓ અને સુવિધાઓ મુદ્દે મહિલાઓએ કમિશનર ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ કર્યો

જુનાગઢ,લોકોની સુવિધા માટે જૂનાગઢ મહાનગરપાલિકાને સરકાર દ્વારા રોડ રસ્તા ગટર પાણી અને પ્રાથમિક સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં પણ વર્ષો વિદ્યા જુનાગઢના જોષીપરા વિસ્તારના રહેવાસીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇ જુનાગઢ સિદ્ધેશ્વર પાર્ક ,યમુના પાર્ક, શ્રીનાથજી પાર્ક, રાધા રમણ સોસાયટીના ,વિસ્તારોમાં રોડ રસ્તાને લઇ મહિલાઓ મનપા ખાતે કમિશ્ર્નર ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

રોડ રસ્તાના પ્રશ્ર્નો બાબતે સિદ્ધેશ્ર્વર સોસાયટીના મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી સોસાયટી તો બની ગઈ છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી ચોમાસામાં આ સોસાયટીના રહીશોને હેરાન થવાનો વારો આવે છે સ્કૂલે જવા માટે બાળકોના વાનો નથી આવતા વેપાર ધંધે જનારા લોકો માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેવી રીતે ખેડૂત વાડીએ રહેતો હોય તેવી રીતે આ વિસ્તારમાં રહેવું પડે છે. છેલ્લા છ મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. મહાનગરપાલિકા દ્વારા ૧૦ થી ૧૦ દિવસમાં કામ કરી દેવાના માત્ર વાયદાઓ કરવામાં આવે છે.

છેલ્લે બે ચાર દિવસ પહેલા જ માવઠાનો વરસાદ પડતા સ્કૂલે જતા બાળકોના ચાર દિવસ સુધી આ સોસાયટીમાં વાન પણ આવ્યા ન હતા. જેને લઇ છોકરાઓને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટરો પણ રજૂઆત કરવા છતાં પણ જવાબ ન દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

મહિલાઓ વિરુદ્ધ કરવા મહાનગરપાલિકાએ પહોંચી છે તેની જાણ વોર્ડ ૬ ના કોર્પોરેટરના પતિ ને થતા કોર્પોરેટરના પતિ પણ મનપા ખાતે દોડી આવ્યા હતા અને તેમને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આજથી ચાર મહિના પહેલા રોડ નો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે પરંતુ કોન્ટ્રાક્ટર ડિપોઝિટ ન ભરતા હોવાને કારણે રોડનું કામ શરૂ નથી થતું. અને કમિશનર ટ્રેનિંગ ગયા હોવાને કારણે હાજર ન હોવાથી કોન્ટ્રાક્ટરની ફાઈલોમાં સાઈન નથી થતી. પરંતુ કમિશનર આવ્યા બાદ કોન્ટ્રાક્ટર પર કાયદાકીય પગલા લેવાની વાત વોર્ડ નં ૬ ના કોર્પોરેટરના પતિ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે જૂનાગઢ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા ને પૂછતા તેમને જણાવ્યું હતું કે મહિલાઓનો પ્રશ્ર્ન સાચો છે અને વહેલી તકે આ કામ શરૂ કરી દેવામાં આવશે.