મહિલાના ઘરમાં ઘૂસીને વાળ પકડીને ઢસડી : સુરતમાં બાળકોના ઝઘડામાં શખસે પાડોશી મહિલાને બેરહેમીથી મારી; સ્થાનિકોએ મહામુસીબતે બચાવી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે. પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખતરાણી નામના શખસે પડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બાળકોના ઝઘડામાં મોટા વચ્ચે ઝઘડો બાળકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખતરાણી નામના વ્યક્તિએ પડોશમાં રહેતા મહિલાને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ? મૂળ ઝઘડાનું કારણ નાનું હતું, વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે.

મહિલાને બેરહેમીથી માર માર્યો પરંતુ મામલો એટલામાં શાંત ન થતાં મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં આવી ચઢ્યા અને મહિલા પર તૂટી પડ્યા. પોતાનો કાબૂ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો. મહિલાના હાથ ખેંચ્યા, વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો.

કોઈ પણ વાતચીત વગર સીધો મારા ઘરે આવી મારવા લાગ્યો આ મામલે પીડિત રસીલાબેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે. આ લોકો વિશે મને વધારે ખબર નથી. મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો. જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો. આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી. જેથી આરોપી કોઈપણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઈ આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.