મહિલાના ઘરમાં ઘૂસી છરીના 8 ઘા માર્યા : ઉનાના કોબમાં બે યુવકે પહેલા મહિલાને રસ્તામાં આંતરી બીભત્સ શબ્દો કહ્યા, પીછો કરી દીકરીની સામે જ લોહીલુહાણ કરી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખસે દારૂના નશામાં છરીના આઠ ઘા માર્યાની ચકચારી ઘટના સામે આવી છે. મહિલા અને તેમની પુત્રી દીવથી ઘરે પરત ફરી રહ્યાં હતાં, તે દરમિયાન રસ્તામાં આ બન્ને આરોપી બીભત્સ શબ્દો કહેતા મહિલા સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી ઉશ્કેરાઈને બન્ને આરોપીઓ મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાની દીકરીની નજર સામે જ ઝપાઝપી કરી હતી. જેમાં એક શખસે નેફામાંથી છરી કાઢી મહિલાને આડેધડ ઘા ઝીંકી દીધા હતી. આ હુમલાથી મહિલા લોહીલુહાણ થઈ જતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. માતા પર થયેલો જીવલેણ હુમલો જોઇ દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

બાઈક પરથી યુવકોએ મહિલાને બીભત્સ શબ્દો કહ્યા ઉનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની કથળી હોય તેવી ઘટના સામે આવી છે. કોબ ગામે રહેતા લછુબેન રમેશભાઇ બાંભણિયા તેની દીકરી દીવના ડગાચીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોબ ગામમાં જ રહેતા હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયા નામના બે શખસ પોતાનું બાઇક લઇ નીકળ્યા હતા. ત્યારે લછુબેન સાથે બોલાચાલી થતા બંને શખસો ઉશ્કેરાઈ જઈ લછુબેનને બીભત્સ શબ્દો કહ્યા હતા અને ત્યાંથી બાઇક પર દિવ તરફ નિકળી ગયા હતા.

એ બાદ આ બંને આરોપી દીવ જઈ દારૂ પીને આવી લછુબેન અને તેમની દીકરી ઘરે એકલાં હતાં એ દરમિયાન અચાનક ઘરમાં ઘૂસી જઈ ઝપાઝપી કરી હતી. જ્યાં હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયામાંથી એક યુવકે મહિલાને દબોચી રાખી હતી અને બીજાએ પેન્ટના નેફામાંથી છરી કાઢીને આડેધડ પીઠ, ચહેરા અને માથાના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સમયે ઘરમાં રહેલી દીકરીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં બન્ને ફરાર થઈ હતા. આ હુમલાથી લોહીલુહાણ થયેલાં લછુબેન ઘરમાંથી ધીમે ધીમે બહાર આવ્યા બાદ ઢળી પડ્યાં હતાં. આ હુમલાની સમગ્ર ઘટના લછુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

હાજર લોકોએ 108ને જાણ કરતાં લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી સંસ્થાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

આ બાબતે મહિલાની પુત્રીના જણાવ્યા અનુસાર, ગત રોજ(29 ડિસેમ્બર) સાંજે 4 વાગ્યાના સમય દરમિયાન તે અને તેની માતા લછુબેન રમેશભાઈ બાંભણિયા દીવથી આવતાં હતાં. આ સમયે કોબ ગામનાં બે શખસ તેઓનો પીછો કરીને અપશબ્દો બોલતા હતા અને ઘરે પહોંચતા આ બન્ને યુવાનો ખુલ્લી છરી સાથે લછુબેન રમેશભાઈ બાંભણિયાના ઘરમાં ધૂસીને મહિલાને પકડી ઉપરાછાપરી આડેધડ છરીના ઘા મારવા લાગ્યા હતા.

વધુમાં મહિલાની દીકરીએ ઉમેર્યું કે, બન્ને યુવક સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હોવાથી આ પહેલાં પણ તેની માતા પર હુમલો કરી લોખંડનાં સળિયા મારી ઈજા કરી હતી. તે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી નહીં થતી હોવાના કારણે આ બન્ને યુવાનો હેરાનગતિ કરીને જીવલેણ હુમલા વારંવાર કરતાં હતા. તથા બન્ને આરોપી દારૂના નશામાં ઘર સુઘી પહોંચી જતા હતા.

ભોગ બનનાર મહિલાની દિકરી બાંભણિયા નેહા રમેશભાઈએ જણાવ્યુ કે, ચાકુનાં ઘા ઝીંકનાર એક આરોપી બારૈયા હાર્દિક ભરતભાઈ અમારા પરીવારનો જ છે, અને અન્ય આરોપી બાંભણિયા અક્ષયએ ગામનો જ યુવક છે, જેના પર હુમલો કરાયો હતો એ મારા મમ્મી છે. અમે ડગાચીથી ઘરે પરત આવતા હતા ત્યારે તે બન્નેએ અમને બિભત્સ શબ્દો બોલ્યા હતા. ત્યાર બાદ અમે ઘરે પહોંચ્યા, ત્યારે તેઓ છરી લઈને મારી મમ્મીને મારવા લાગ્યા હતા અને શરીરમાં બધે જ છરીના ઘા માર્યા હતા, આ બંન્ને શખસો દારૂ અને ગાંજાના નશામાં હતા. આ બનાવ અંગે પોલીસને 4.30 વાગ્યાની આજૂબાજૂ જાણ કરાઈ હતી અને આશરે 5.30 વાગ્યે એમ્બ્યુલન્સ ઘરે આવી પહોંચી હતી. હવે મારી માગ છે કે, આવા માણસો ક્યારેય છૂટવા ન જોઈએ, જેવું મારી મમ્મી સાથે થયું એવુ બીજો કોઈ સાથે ન થવું જોઈએ.

આ મામલે જાણવા મળ્યું છે કે, આરોપી હાર્દિક બારૈયાના માતા ઘર કંકાસને લઇ રિસામણે ગયા હતા. જે સમયે આરોપી હાર્દિક તેના કૌટુંબિક કાકી જશુંબેન પુંજાભાઈ બારૈયા સાથે રહેતો હતો. આ જશુંબેન બારૈયા ઇજાગ્રસ્ત લછુબેનના ઘરે અવારનવાર જતા હોવાથી હાર્દિકને ગમતું ન હતું, જેથી અવાર નવાર બંને વચ્ચે ઝઘડો થતો. જે બાબતનું મનદુ:ખ રાખી હાર્દિકે અક્ષય સાથે મળી ભોગ બનનાર લછુબેનના ઘરમાં ઘુસી આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા.