
મુંબઇ,
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઈસીસી મહિલા ટી૨૦ વિશ્ર્વ કપના સેમિફાઈનલ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત કૌરનો ગુસ્સો કે જે તેણે પોતાના બેટ પર કાઢ્યો હતો. હાર બાદ તેણે પોતાની નારાજગી પોતાના નસીબ પર વ્યક્ત કરી હતી. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી મચે બાદ પ્રેઝન્ટેશન સમયે તે ખૂબ જ ભાવુક નજરે પડી હતી. આ દરમિયાન તે ચહેરા પર ગોગલ્સ પહેરીને આવી હતી. તેણે લાગણીશીલ થતાં કહ્યું કે, હું નહોતી ઈચ્છતી કે મારો દેશ મને રડતા જુઓ, એટલા માટે મેં આ ગોગલ્સ પહેર્યા છે. હું વાયદો કરું છું અમે ટીમમાં સુધારો કરીશું અને આ રીતે આપણાં દેશને ઝૂકવા નહીં દઈએ.
ભારતીય ટીમના કેપ્ટન તરીકે હું સૌથી વધારે દુર્ભાગ્યવશ રહી એવું અનુભવ કરી રહી છું. જેમિમાહ રોડ્રિંગ્સ સાથે અમે મેચમાં મુમેન્ટમ ફરીથી મેળવી લીધો હતો. એ પછી પણ અમે હારી ગયા, આવી આશા નહોતી. તેણે આગળ કહ્યું કે, જે રીતે હું રન આઉટ થઈ એનાથી વધારે ખરાબ નસીબ ન હોઈ શકે. પોતાના પ્રયાસો કરવા મહત્વના હતા અને અમે ખુશ હતા કે અમે મેચના છેલ્લાં બોલ સુધી ટકી રહ્યાં. અમે છેલ્લે સુધી અમારી જાત નીચોવી માગતા હતા. આજે અમે પણ લક્ષ્યનો પીછો કરવા માગતા હતા, તેઓએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરુઆતમાં બે વિકેટો ગુમાવી દીધા બાદ અમને ખબર હતી કે અમારી પાસે સારી બેટિંગ લાઈન અપ છે. આના માટે મારે જેમિમાહને શ્રેય આપવો જોઈએ કારણ કે મેચમાં તેણે અમને મુમેન્ટમ અપાવ્યો હતો. સારુ પરફોર્મન્સ જોઈને મને ખુશી થઈ હતી.
કૌરના જણાવ્યા મુજબ, અમે સારુ રમ્યા હતા. આજે એ સ્થિતિ હતી કે જ્યારે હું નેચરલ ગેમ રમવા માગતી હતી. અમારામાંથી કેટલાંક લોકોએ એવું પણ કર્યું. અમે ફરીથી કેટલાંક સરળ કેચ છોડ્યા હતા. જ્યારે તમે જીતવા માગતા હોવ તો કેટલાંક ચાન્સ લેવા પડે છે. આ બધામાંથી આપણે માત્ર શીખીએ છીએ. ખરેખરમાં ગુરુવારે ભારતીય ટીમ નોક આઉટ મુકાબલામાં ફરીથી લાચાર બની હતી. દબાણમાં આવ્યા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ રનથી હારી ગઈ હતી અને કંગારુ ટીમ આની સાથે જ સાતમી વખત આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ફાઈનલમાં એન્ટ્રી કરી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરતા ચાર વિકેટ પર ૧૭૨ રન બનાવ્યા હતા. જ્યારે ભારતનું ફિલ્ડિંગમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને કેટલીક કેચો પણ ભારતે છોડી હતી. જવાબી ઈનિંગ્સમાં ભારત નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૭ રન જ બનાવી શક્યું હતું.