મહિલા વકીલ બન્યા સાયબર ફ્રોડનો શિકાર, ૩ મિસ્ડ કોલ અને એકાઉન્ટમાંથી ઉડી ગયા લાખો રૂપિયા

દેશભરમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલ પણ સાયબર ક્રાઈમનો શિકાર બની છે. જો કે, મહિલા વકીલએ ન તો કોઈ કોલ રિસીવ કર્યો હતો કે ન તો કોઈ OTP શેર કર્યો હતો. પરંતુ તેમ છતાં તેના ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા હતા. પીડિતાને તેના ફોન પર માત્ર ત્રણ વાર મિસ્ડ કોલ આવ્યા અને હેકર્સે તેના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી નાખ્યા હતા. આ સમગ્ર મામલો સિમ સ્વેપિંગ સાથે જોડાયેલો છે. જોકે, આ પહેલો મામલો નથી. આ અગાઉ પણ સિમ સ્વેપિંગના ઘણા મામાલા સામે આવી ચૂક્યા છે.

આ મામલે દિલ્હી પોલીસના સાયબર સેલે જણાવ્યું કે, વકીલે ન તો આરોપીના કોઈ ફોન કોલનો જવાબ આપ્યો હતો કે,ન તો કોઈ અંગત વિગતો કે OTP શેર કર્યો પરંતુ તેમ છતાં આરોપી બેંકિંગ વિગતો સહિત તેની તમામ અંગત માહિતી કાઢવામાં સફળ રહ્યો અને તેના પૈસાની ચોરી લીધા હતા. આ ઘટનાની સૂચના 18 ઓક્ટોબરના રોજ આપવામાં આવી હતી. જ્યારે ટ્રાયલ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પોલીસને જણાવ્યું કે, તેમણે પોતાના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગુમાવી દીધા છે. 

પોલીસે છેતરપિંડીની રકમ અંગે માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. એક અધિકારીના જણાવ્યું કે, 35 વર્ષીય વકીલને એક મોબાઈલ નંબર પરથી ત્રણ મિસ્ડ કોલ આવ્યા હતા. બાદમાં તેણે વ્યક્તિને બીજા નંબર પરથી ફોન કર્યો પરંતુ તેણે જણાવ્યું કે, તે કુરિયર ડિલિવરી કોલ હતો. અધિકારીએ જમાવ્યું કે, મહિલા વકીલે તેના ઘરનું સરનામું માત્ર એ વિચારીને આપ્યું હતું કારણ કે, તેના મિત્ર દ્વારા મોકલવામાં આવેલ સામાન તેમને મળવાનો હતો. જોકે મહિલાને પેકેટ પણ મળ્યું હતું. આ દરમિયાન બેંકમાંથી બે અજાણ્યા ટ્રાન્ઝેક્શનના મેસેજ જોઈને મહિલા વકીલ પરેશાન થઈ ગયા.

મહિલાએ તેમની ફરિયાદમાં એમ પણ કહ્યું કે, તેને સ્કેમ બાદ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતાને IFSO અધિકારી તરીકે ઓળખાવ્યો અને તેનું બેંક સ્ટેટમેન્ટ માંગ્યું હતું. સદભાગ્યે, તેણીએ તેની સાથે કોઈ ડિટેલ શેર ન હોતી કરી. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઈ શંકાસ્પદની ઓળખ નથી થઈ. સાયબર સેલમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ઓળખ માટે ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.