મહિલા રેસલર્સની અરજી આરોપ ગંભીર, એફઆઇઆર ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી

નવીદિલ્હી,દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોનાં ધરણાં મંગળવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યાં હતાં. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ૭ મહિલા કુસ્તીબાજની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યું હતું કે કુસ્તીબાજોએ અરજીમાં જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આને ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે.

સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર ન નોંધવા બદલ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. વધુમાં, સુપ્રીમ કોર્ટે ૭ મહિલા ફરિયાદીનાં નામ ન્યાયિક રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું, જેથી તેમની ઓળખ જાહેર ન થાય. ૭ મહિલા રેસલરે સોમવારે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવા માટે અરજી કરી હતી.

રેસલરના વકીલ નરેન્દ્ર હુડ્ડાએ કહ્યું હતું કે અમે આરોપી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનું જણાવ્યું. ગંભીર આરોપ હોવા છતાંય દિલ્હી પોલીસે આ કેસમાં કોઈ એફઆઇઆર કરી નહીં સુપ્રીમએ આ કેસને ગંભીર ગણાવ્યો અને દિલ્હી સરકાર તથા દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરીને તેમની પાસે જવાબ માગ્યો છે.

સોનીપતથી ખેડૂતનેતા વિરેન્દ્ર પહેલની આગેવાનીમાં ખેડૂતો જંતર-મંતર જવા રવાના થયા છે. ખેડૂતોએ કહ્યું હતું કે આ અમારી કૂચ નથી, અમે ત્યાં ધરણાં કરવા જઈ રહ્યા છીએ. આ આપણાં બાળકોના સન્માન માટેની લડાઈ છે. હરિયાણા કોંગ્રેસના નેતા ભૂપીન્દર સિંહ હુડ્ડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ જંતર-મંતર પહોંચે એવી શક્યતા છે. બજરંગ પુનિયાએ કહ્યું હતું, આ માત્ર કુસ્તીની લડાઈ નથી, કેમ કે આ પ્રકારનું શોષણ દરેક રમતમાં થાય છે, તેથી તેઓ અન્ય તમામ રમતના ખેલાડીઓ પાસેથી પણ સમર્થન ઇચ્છે છે.

બબીતાએ કહ્યું હતું કે રિપોર્ટ બધાની સહમતીથી નથી બન્યો. તપાસ અહેવાલ વાંચતી વખતે મારા હાથમાંથી એ છીનવી લેવામાં આવ્યો હતો. એસએઆઇ ડિરેક્ટર અને તપાસ કમિટીમાં સામેલ રાધિકા શ્રીમાને પણ મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. મારા ઘણા મુદ્દાઓ અવગણવામાં આવ્યા હતા. મેં એ રિપોર્ટમાં મારો વાંધો નોંધાવ્યો છે.તેમણે કહ્યું હતું, ’હું તમને ૧૦૦ કહી શકું છું, હું ૨૦૦ કહી શકું છું, હું ૫૦૦ કહી શકું છું, હું ૭૦૦ કહી શકું છું, હું ૧૦૦૦ કહી શકું છું, હું જે કહું એ મને ઓછી લાગે છે, કારણ કે ૧૨ વર્ષથી અમે જોતા આવ્યા છીએ કે તેમનો અત્યાચાર સતત વધી રહ્યો છે. તેમણે કુસ્તીમાં ભાગ્યે જ કોઈ એકાદ છોકરીને છોડી હશે, જેની સાથે તેમણે ગેરવર્તન કે જાતીય સતામણી કરવાનો પ્રયત્ન નહીં કર્યો હોય.તેમણે આરોપ લગાવ્યો, ’કુસ્તીમાં ભાગ્યે જ કોઈ એક છોકરી બચી હશે. આ કેટલા સાથે થયું છે એની ગણતરી હું કહી શક્તી નથી. આ કામમાં આ આખી સિસ્ટમ જોડાયેલી છે. એકલો માણસ કંઈ કરતો નથી. આખી સિસ્ટમ ફોલોઅપ કરે છે કે કઈ છોકરી ક્યાંથી ક્યાં જઈ રહી છે. તેનો મોબાઈલ નંબર મેળવવો પડશે, તેની સાથે વાતચીત કરવી પડશે. આ એક સંપૂર્ણ વ્યવસ્થા છે, જેના દ્વારા દરેક જાય છે અને પછી બ્રિજભૂષણની એન્ટ્રી થાય છે.

કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા તપાસ માટે એક નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રમુખ મેરી કોમને બનાવવામાં આવી હતી. કુસ્તીબાજ યોગેશ્ર્વર દત્ત, ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા તૃપ્તિ મુરગુંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (જીછૈં)નાં સભ્ય રાધિકા શ્રીમાન ઉપરાંત સમિતિના ભૂતપૂર્વ સીઇઓ કમાન્ડર રાજેશ રાજગોપાલન સભ્યો હતાં. બાદમાં છઠ્ઠા સભ્ય તરીકે બબીતાને એમાં સામેલ કરવામાં આવી હતી.