મુંબઇ,
રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમીયર લીગની પહેલી સીઝન માટે ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમ માટે મોટી જવાબદારી સોંપી છે. છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી સાનિયાની કરિયર ૨૦ વર્ષ જેટલી લાંબી છે. તેણે ૪૩ ડબ્લ્યુટીએ ખિતાબ જીત્યા છે. આરસીબીની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે સાનિયા મહિલાઓ માટે રોલ મોડલ છે અને તેમના વૈશ્ર્વિક કદના કારણે આરસીબી ટીમ મેનેજમેન્ટે આરસીબીની મહિલા ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જોડ્યા છે.
ટીમે સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમના મેન્ટર બનાવ્યા છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ સમાપ્ત થયેલી વુમેન્સ પ્રીમીયર લીગની હરાજીમાં આરસીબીએ ભારતની બેટર સ્મૃતિ મંદાના, ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર એલિસે પેરી, ઓસ્ટ્રેલિયન બોલર મેગન શુટ્ટ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન સોફી ડિવાઈન, ઈંગ્લેન્ડના કેપ્ટન હીથર નાઈટ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડેન વાન નીકેર અને ભારતની અંડર ૧૯ સ્ટાર ૠષા ઘોષને પોતાની સાથે જોડ્યા છે.
સાનિયા મિર્ઝાએ એક નિવેદનમાં કહ્યું કે મેન્ટર તરીકે આરસીબીની મહિલા ટીમ સાથે જોડાવવું મારા માટે ખુશીની વાત છે. ભારતીય મહિલા ક્રિકેટે મહિલા પ્રીમિયર લીગ સાથે એક ક્રાંતિકારી બદલાવ જોયો છે અને હું વાસ્તવમાં આ ક્રાંતિકારી પગલાનો ભાગ બનવા માટે ઉત્સુક છું. આરસીબી અને તેના બ્રાંડની ફિલોસોફી મારા દ્રષ્ટિકોણ સાથે મેળ ખાય છે. મે મારી કરિયરને એ રીતે આગળ વધારી છે અને તે જણાવે છે કે હું રિટાયરમેન્ટ બાદ ખેલોમાં કેવી રીતે યોગદાન આપીશ.
સાનિયા મિર્ઝાએ એમ પણ કહ્યું કે આરસીબી છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલમાં એક લોકપ્રિય ટીમ અને ખુબ વધુ ફોલો થતી ટીમ રહી છે. હું તેમને મહિલા પ્રિમિયર લીગ માટે એક ટીમ બનતા જોઈને ખુબ ખુશ છું કારણ કે તે દેશમાં ખેલ જગતમાં મહિલાઓને નવી ઊંચાઈ પર લઈ જશે. મહિલા ક્રિકેટરો માટે નવા દરવાજા ખોલશે અને ખેલને યુવા છોકરીઓના ખેલમાં કરિયર બનાવવામાં મદદ કરશે.