મહિલાનું માથું કાપી માતાને ધરી દીધું! રૂંવાડા ઊભા કરી દે એવો માનવબલીનો કેસ

ગોવાહાટી,ગુવાહાટીમાં સ્થિત કામાખ્યા મંદિર તરફ જતા રસ્તા પર લગભગ ૪ વર્ષ પહેલા એક મહિલાની માથું કાપેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હવે આસામ પોલીસે માનવબલીના કેસમાં ૫ આરોપીઓની ધરપકડ કરીને ભેદ ઉકેલી કાઢ્યો છે.

આપને જણાવી દઇએ કે, કામાખ્યા મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર જય દુર્ગા મંદિરના પગથિયા પર ધાબળામાં લપેટાયેલી એક મહિલાની માથા વગરની લાશ મળી આવી હતી. ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંત બોરાહે જણાવ્યું હતું કે આ કાંડનો મુખ્ય આરોપી પ્રદીપ પાઠક (૫૨) છે, જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના એક સરકારી કર્મચારી છે. તેણે દેવી કામાખ્યાને બલી તરીકે આપવા માટે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક મહિલાનો પુત્ર સુરેશ શો જાલુકબાડી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને તેણે જણાવ્યું કે, તેની માતા અંબુબાચીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બાબા સાથે કામાખ્યા મંદિર આવી રહી હતી, પરંતુ તે દરમિયાન તે ગમ થઇ ગઇ હતી. જ્યારે પોલીસે આ અજાણી લાશ સુરેશને દેખાડી ત્યારે સુરેશના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી, કારણ કે તે લાશ તેની માતાની હતી. મૃતક મહિલાનું નામ શાંતિ શો (૬૪ વર્ષ) હતું.

જૂના કેસોના નિરાકરણ માટે આસામ પોલીસની ઝુંબેશના ભાગ રૂપે આ વર્ષે આ કેસની ફરી તપાસ કરવામાં આવી હતી. બોરાહે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે માં કામાખ્યાને ખુશ કરવા માટે આ માનવ બલી આપવાનો કેસ હતો. પ્રદીપ પાઠકની કેટલીક તાંત્રિક માન્યતાઓ હતી. તેનો ભાઈ એક નાગા સાધુ હતો, તે ૧૧ વર્ષ પહેલાં ૧૮ જૂને મૃત્યુ પામ્યો હતો અને પ્રદીપ તેના ભાઈની યાદમાં તે જ દિવસે કપાલી પૂજા કરવા માંગતો હતો.

આસામ પોલીસ પ્રદિપ ઉપરાંત માતાપ્રસાદ પાંડે (૫૦)ની મયપ્રદેશના જબલપુરમાં આવેલ મંદિરમાંથી અને સુરેશ પાસવાન (૫૬)ની ગુવાહાટીથી ધરપકડ કરી હતી. જ્યારે કનુ તાંત્રિક (૬૨), જે ગુવાહાટીના ભૂતનાથ સ્મશાનગૃહમાં પૂજા-અર્ચના કરતો હતો અને રાજુ બાબા ઉર્ફે ભૈયારામ મૌરિયા (૬૦) પણ ભૂતનાથની અવારનવાર મુલાકાત લેતો હતો, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાંત્રિક સંપ્રદાયમાં લોકપ્રિય અને દર વર્ષે હજારો ભક્તો માટે આકર્ષનું કેન્દ્ર બનતા અંબુબાચી ઉત્સવની શરૂઆતના થોડા દિવસો પહેલા જ આ મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદીપ એક સાધુ સાથે તહેવાર મનાવવા માટે ગુવાહાટી ગયો હતો અને પશ્ર્ચિમ બંગાળના અન્ય એક સાધુને મળ્યો. આ સાધુ સાથે પીડિતા અને અન્ય બે મહિલાઓ પણ હતી. બોરાહે જણાવ્યા અનુસાર, તેઓ ભૂતનાથમાં મળ્યા અને માનવ બલિનું પ્લાનિંગ કર્યું હતું. ૧૮ જૂનની સવારે તેઓએ એક દાહ (છરી) ખરીદી હતી અને મયરાત્રિએ ૧૨ લોકોની હાજરીમાં પૂજા કરી હતી, જેમાં ધરપકડ કરાયેલા તમામ લોકોનો પણ સમાવેશ થાય છે.

પૂજા બાદ બધા એક વાનમાં કામાખ્યા મંદિર તરફ જતાં દારૂ પીધો હતો. બોરાહે કહ્યું, તેઓ જય દુર્ગા મંદિર ગયા હતાં, જ્યાં તેઓએ બીજી પૂજા કરી હતી અને ત્યારબાદ મહિલાનું માથું કાપી નાખ્યું હતું. હાલ આ કેસમાં પોલીસે આગળના કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.