કાલોલ, કાલોલ તાલુકાના નજીકના વિસ્તાર માંથી એક મહિલા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ આવતા જણાવેલ કે, મારાં ફળિયામાં રહેતો વ્યક્તિ હું રસ્તામાં આવતી જતી હોય તે દરમયાન ખોટા ખોટા ઈશારા કરે છે અને અપશબ્દો બોલે છે. જેથી મદદ માટે 181 પર જાણ કરેલ. પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે રૂબરૂમાં પુછપરછ કરતાં તેમને જણાવેલ કે હું એક દુકાન પર નોકરી જાવ છું. મારાં પતિ પણ કામકાજ કરવા જાય છે. હું દુકાન પરથી રોજ એકલા ઘરે આવજાવ કરૂં છું. હું રસ્તા માંથી પસાર થાવ તે દરમ્યાન મારાં જ ફળીયાનો વ્યક્તિ છે, જે રસ્તા પર બેસી રહે છે અને ખોટા ખોટા ઈશારા કરે છે અથવા હું તેમના ઘર આગળથી પસાર થાઉં ત્યારે ઘરમાં રહીને અપશબ્દો બોલે છે અને ઈશારા કરે છે. આ વાતની જાણ મેં મારાં પતિ અને સાસુને કરતાં મારાં પતિ તે વ્યક્તિના ઘરે સમજાવવા માટે ગયા તો તેની મમ્મીએ મારાં પતિ સાથે ઝગડો કર્યો અને મારો છોકરો માનસિક રીતે બિમાર છે, તેમ બહાના બનાવા લાગ્યા અને હવે મારો છોકરો આ રીતે નહિ હેરાન કરે હું તેને સમજાવી દઈશ તેમ જણાવ્યું છતાં પણ હું દુકાન પરથી જતી આવતી હોય ત્યારે તે ફરીથી ઈશારા કરી અપશબ્દો બોલવા લાગ્યો જેથી મેં 181 પર જાણ કરી. 181 અભયમ ટીમ દ્વારા તે વ્યક્તિનું તેમજ તેની મમ્મીનું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. પરંતુ તે વ્યક્તિ સમજવા તૈયાર ન હતા અને તેમના મમ્મી પણ સામે મહિલા પર ખોટા આક્ષેપ લગાવતા કે મારાં છોકરાને પોલીસ બોલાવી ખોટી રીતે ફસાવે છે. જેથી 181 ટીમ દ્વારા પીડિત મહિલાને સેફટી પ્લાન વિશે સમજ આપી અને પોલીસ સ્ટેશન વિશે માહિતી આપી. પીડિત મહિલા એ જણાવ્યું કે, મારે કામકાજ બાબતે રોજ એકલા રસ્તામાં આવા જવાનુ રહેતું હોવાથી મારી સેફટી માટે મારે લીગલી કાર્યવાહી કરવી છે. જેથી 181 ટીમ દ્વારા પીડિત મહિલાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવેલ. આમ,181 ટીમ દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવા બદલ અને સલાહ સૂચન માર્ગદર્શન આપવા બદલ પીડિત મહિલાએ ટીમનો આભાર માન્યો.