સુરતના વરાછાના મહાદેવનગરમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. પુત્રના અભ્યાસ માટે ગીરવે મુકેલા દાગીના છોડાવવા મહિલાએ પડોશીને ત્યાં ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે. રત્નકલાકાર પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે મહિનાએ કારસ્તાન કર્યું હતું.
કાવતરાના ભાગરૂપે ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી ચોરીના ખેલને અંજામ અપાય હતો. મહિલા પોતાના ઘરનું તાળું બગડી ગયું હોવાનું કહી તાળું લઈ જઈ ડુપ્લીકેટ ચાવી બનાવી તક મળતા ચોરી કરી હતી.
વરાછાના મહાદેવનગરમાં રહેતા રત્નકલાકાર તેમના સાળાની દીકરીના લગ્નમાં સહપરિવાર અમદાવાદ ખાતે ગયા હતા. પરિવાર પરત ફર્યું ત્યારે બંધ ઘરમાંથી રૂપિયા 76 હજારની ચોરી માલુમ પડી હતી. ચોરીની આ ઘટનામાં પુત્રના અભ્યાસ માટે ગીરવે મુકેલા દાગીના છોડાવવા ચોરીનો કસબ અજમાવનાર પડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે.
વરાછાના મહાદેવનગરમાં આવેલા કૃપા ડાયમંડમાં નોકરી કરતા રત્નકલાકાર કાંતિભાઈ પરસોત્તમ નાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહે છે. તા.૨૩ ફેબ્રુઆરીના દરોજ સાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતીભાઈ તેની પત્ની તથા બે સંતાન સાથે અમદાવાદ ગયા હતા. ચાર દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને તેમાંથી સોનાના રૂપિયા 76 હજારના દાગીના ગાયબ હતા.
બનાવ અંગે કાંતીએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીમાં પોલીસે કાંતીભાઈની પડોશમાં રહેતી પ્રિતી શૈલેષ વાવડીયાની ધરપકડ કરી તમામ દાગીના કબજે કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, કાંતીની પત્ની રમીલા અને પ્રિતી બંને સારા મિત્ર છે અને એકબીજા સાથે અંગત સંબંધ હતા અને એકબીજાને જરૂર પડે ત્યાર મદદરૂપ બનતા હતા.
પ્રિતીએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્રના અભ્યાસ માટે દાગીના ગીરવે મુક્યા છે. આ દાગીના પરત મેળવવા તેણે ચોરી કરી હતી. પાડોશી રમીલા બેન તેમના ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાના છે એવી બંને વચ્ચે વાતચીત થઇ હતી. પ્રિતીએ ગીરવે મુકેલા દાગીના છોડાવવા રમીલાના ઘરમાં ચોરી કરવા કાવતરું ઘડી પોતાના ઘરનું તાળું બગડી ગયું છે એમ કહી રમીલા બેનના ઘરનું તાળું લઈ જઈઅને ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરીનો ખેલ પાડ્યો હતો.