મુંબઇ, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને પગલે તેમની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના વિરોધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રિતમ મુંડેએ કહ્યું છે કે મહિલા દ્વારા કરવામા આવેલ કોઈપણ ફરિયાદની નોંધ લેવી જોઈએ.
મુંડેએ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કહ્યું કે સત્તાવાળાઓ નિર્ણય લઈ શકે છે કે ફરિયાદ સાચી છે કે નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ સહિત ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કુસ્તીબાજોએ એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજો પર યૌન શોષણ કરવા બદલ WFI ના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી હતી.
જ્યારે આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુંડેએ કહ્યું કે, હું સાંસદ તરીકે નહીં, પરંતુ એક મહિલા તરીકે કહું છું કે જો કોઈ મહિલા તરફથી આવી ફરિયાદ આવે તો તેને ધ્યાનમાં લેવી જોઈએ. આની પુષ્ટિ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ચકાસણી બાદ અધિકારીઓએ નક્કી કરવું જોઈએ કે તે વાજબી છે કે અન્યાયી. બીડના લોક્સભા સદસ્યએ કહ્યું, જો સંજ્ઞાન નહીં લેવાય તો લોકશાહીમાં તેનું સ્વાગત નહીં થાય. મુંડેએ કહ્યું કે, આ મામલાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી રહી છે. હવે જો હું તપાસ સમિતિની માંગણી કરું તો તે ‘પબ્લિસિટી સ્ટંટ’ હશે. મને આશા છે કે આ મામલે કાર્યવાહી થશે.
કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે તેમને ધીરજ રાખવા અને સુપ્રીમ કોર્ટ, રમત મંત્રાલય અને દિલ્હી પોલીસમાં વિશ્ર્વાસ રાખવા વિનંતી કરી, જ્યારે કુસ્તીબાજોએ તાજેતરમાં તેમના ચંદ્રકોને ગંગા નદીમાં ડૂબી જવાની ધમકી આપી હતી.