મહેસાણા,
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. રવિવારે સવારે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૨૩૪ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. રવિવારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ મહેસાણા જિલ્લામાં તોફાની બેિંટગ કરી હતી. મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ ૧૩ ઈંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે સરસ્વતીમાં ૭.૫ ઈંચ, બેચરાજીમાં ૮.૫ ઈંચ અને જોટાણામાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો મહેસાણાની બાજુમાં આવેલ પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબત્યો હતો. અત્યાર સુધી કુલ ૧૧૨ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે.
મહેસાણા શહેરમાં ૫.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. નાગલપુર કોલેજ વિસ્તાર, સત્યનારાયણ, નેતાજી નગરમાં પાણી ભરાયા હતા. ઘરમાં પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત પાટણ અને ગાંધીનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સતત ૨ દિવસથી વરસાદી માહોલ વચ્ચે સરકાર પણ હરકતમાં આવી હતી. અને મુખ્ય સચિવની અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. બેઠક બાદ રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૯૩ ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડી ચૂક્યો છે. માત્ર બે તાલુકા એવા છે, કે જેમાં ૨૫૦ મિલીમીટર એટલે કે ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડયો છે. આ ઉપરાંત હર્ષદ પટેલે જણાવ્યું કે, સરદાર સરોવર ડેમમાં હાલ ૬૦.૮૩ ટકા પાણી છે. તો રાજ્યના ૧૦૮ ડેમ હાઈ એલર્ટ પર છે. ભારે વરસાદને પગલે ૯૮૦૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં સતત ૧૭૦૦ લોકોનું સ્થળાંતર થયું છે. એનડીઆરએફની ૧૩ ટીમો કામે લગાડવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, મહીસાગરમાં ૧૧ જેટલી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે હર્ષદ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ૯૪ ટકા જેટલું વાવેતર થઈ ચૂકયું છે. ૪૪ નદીઓ ઓવરફલો થઇ છે. કચ્છમાં જિલ્લામાં ૧૬૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૩ ટકા વરસાદ, મધ્યપૂર્વમાં ૭૩ ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં વરસી રહેલા વરસાદને પગલે ઘણા ગામડા જળબંબાકાર બન્યા છે અને હજુ જળસ્તર ઉંચા આવતા પૂરની સ્થિતિને પહોંચી વળવા ૧૧ એનડીઆરએફની ટિમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. બનાસકાંઠા, દાહોદ , પાટણ દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં એનડીઆરએફ તૈનાત કરવામાં આવી છે.