
મુંબઇ,
નમ્રતા શિરોડકરે એક નવા ઇન્ટરવ્યુમાં તેલુગુ અભિનેતા મહેશ બાબુ સાથેના લગ્ન પછી પોતાના એક્ટિંગ કરીયરને છોડી દેવા અંગે વાતચીત કરી હતી. છેલ્લે ૧૭ વર્ષ પહેલાં મોટા પડદે જોવા મળેલી નમ્રતાએ કહ્યું હતું કે, મહેશને ’નોન-વર્કિંગ વાઇફ’ જોઈતી હતી અને ઉમેર્યું હતું કે જો તે ઓફિસમાં કામ કરતી હોય તો પણ તેની ઇચ્છા હતી કે તે નોકરી છોડી દે. તેણીએ કહ્યું કે તે સહમતિ સાથે લેવાયેલો નિર્ણય હતો અને તેઓ આ અંગે ખૂબ જ સ્પષ્ટ હતા.
નમ્રતાએ છેલ્લે ૨૦૦૪માં આવેલી હિન્દી ફિલ્મ ઇન્સાફ: ધ જસ્ટિસમાં કામ કર્યું હતું. એ જ વર્ષે તે ગુરિન્દર ચઢ્ઢાની બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં પણ જોવા મળી હતી. એક નવા ઇન્ટરવ્યુમાં તેના શરૂઆતના દિવસોને યાદ કરતા નમ્રતા શિરોડકરે ખુલાસો કર્યો હતો કે તેને ક્યારેય મોડેલિંગમાં રસ નહોતો. તે તેની માતાની ઇચ્છા હતી, તેથી તે બંધાયેલી હતી. તેણે લગ્ન પછી કરિયર છોડી દેવાની વાત પણ કરી હતી.
નમ્રતા અને મહેશે ફેબ્રુઆરી ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. એક તેલુગુ યુટ્યુબ ચેનલ પ્રેમા- જર્નાલિસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં નમ્રતાએ તેની કારકિર્દી વિશે અને લગ્ન પછી તેણે એક્ટિંગ કેમ ન કરી તે વિશે ખુલીને વાત કરી હતી. તેણીએ કહ્યું કે, મહેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે તેને નોન વકગ પત્ની જોઈએ છે. જો હું કોઈ ઓફિસમાં કામ કરતી હોત તો પણ તેણે મને કામ છોડી દેવાનું કહ્યું હોત. અમે એકબીજા માટે કેટલીક વસ્તુઓ માન્ય રાખી હતી.
નમ્રતાએ આગળ જણાવ્યું કે, અમે નક્કી કર્યું હતું કે અમે લગ્ન પછી સૌપ્રથમ એપાર્ટમેન્ટમાં રહીશું કારણ કે હું મુંબઈની હતી, અને મને ખબર નહોતી કે હું આ મોટા બંગલાઓમાં કેવી રીતે ફિટ થઈશ. હું ડરતી હતી તેથી તે મારી સાથે એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો. મારી એ શરત હતી કે જો હું હૈદરાબાદ આવવાની છું, તો હું એક એપાર્ટમેન્ટમાં જ રહીશ. એ જ રીતે તેણે પણ સ્પષ્ટતા કરી હતી કે તે નથી ઇચ્છતો કે હું કામ કરું. તેથી જ અમે પણ થોડો સમય લીધો જેથી હું મારી બધી ફિલ્મોનું શૂટિંગ પૂરું કરી શકું. અમારાં લગ્ન થયાં ત્યારે મારી પાસે કોઈ કામ નહોતું, એટલે મેં મારી બાકી રહેલી બધી ફિલ્મો પૂરી કરી દીધી. અમે ક્લિઅર હતા. અમારી વચ્ચે ઘણી સ્પષ્ટતા હતી. તેણીએ મહેશ સાથે લગ્ન કર્યા તે અંગે જણાવ્યું હતું કે, તે તેના જીવનની સૌથી ખુશીની ક્ષણ છે. આ જ ઇન્ટરવ્યૂમાં નમ્રતાએ કહ્યું હતું કે, મહેશ અને તેના લગ્નનો નિર્ણય લીધા બાદ તેની ’આખી દુનિયા બદલાઈ ગઈ’ હતી.
તેણે વધુમાં કહ્યું હતું કે ’લગ્ન કરવાનો આખો અનુભવ કંઇક અલગ જ છે’. માતૃત્વ વિશે વાત કરતાં નમ્રતાએ કહ્યું હતું કે તે ’કોઈ પણ વસ્તુ માટે એક્સચેન્જ કે ચેન્જ નહીં અપનાવે’. નમ્રતા અને મહેશ બે બાળકોના માતા-પિતા છે – પુત્ર ગૌતમ ગટ્ટમાનેની અને પુત્રી સિતારા ગટ્ટમાનેની.