મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા દેલપુરા ગામના 8 જેટલા બાળકોને પોઇઝનિંગ થવાની ઘટના સામે આંવી છે. ગામની શાળામાં ઉગાડવામાં આવેલા અજ્ઞાત વૃક્ષનું ફળ ખાવાના કારણે બાળકોને પોઇઝનિંગ થયું હોવાની વિગતો સામે આવી છે. જેમાં 8 બાળકોને બહુચરાજી સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બાળકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા બેચરાજી તાલુકાના દેલપુરા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રમતા હતા. એ દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં ઉગાડવામાં આવેલા એક અજ્ઞાત વૃક્ષના ફળ 8 જેટલા બાળકો ખાઈ જતાં તમામને પોઇઝનિંગની અસર થતાં 108 મારફતે બેચરાજી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેચરાજી સિવિલ ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા છે.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય પરેશ પટેલ જણાવ્યું કે, હું સિવિલમાં હતો, એ દરમિયાન ફટાફટ 108 એમ્બ્યુલન્સ બે-ત્રણ ઉપરાઉપર આવી હતી અને મેં જોતા દેલપુરા ગામના પ્રાથમિક શાળાના બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાળકોએ જે ફળ ખાધું હતું એ પણ સાથે લઈ આવેલા એ ફળ મેં ગૂગલમાં તપાસ કરતા જેટરોફા નામનું ફળ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકોની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, જેના કારણે મહેસાણા રીફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળામાં નાના બાળકો ભણતા હોઇ વૃક્ષારોપણ દરમિયાન ફોરેસ્ટ અધિકારીને જાણ કરી યોગ્ય વૃક્ષ વાવવા જોઈએ.
ડો.અંકિત પટેલે જણાવ્યું હતું કે, 2થી 10 વર્ષની ઉંમરના 8 બાળકો સ્કૂલમાં રમતા હતા. જ્યાં અજ્ઞાત ફળ ખાવાથી તેઓની તબિયત લથડી છે. બાળકોને ઝાડા વોમેટ પેટમાં દુખાવો થતાં પોઇઝનિંગની અસર થઈ છે. હાલમાં બાળકોને પ્રાથમિક સારવાર આપી મહેસાણા સિવિલ રીફર કરવામાં આવ્યા છે.
રતનજ્યોત એ ઉષ્ણ કટીબંધ વિસ્તારમાં થતો છોડ છે. જેનું મૂળ વતન અમેરિકા છે. તે હાલ ઘણા દેશોમાં કુદરતી બની ગયું છે. તેનાં છોડ મેકિસકો, બ્રાઝિલ, પેરુ, નિકારગુઆન જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તે અંગ્રેજીમાં ‘પર્કિંગ નટ’ સંસ્કૃતમાં ‘કાનન એરંડ’ અને હિન્દીમાં ‘જંગલી એરંડી’ તરીકે ઓળખાય છે. ઉત્તર અને મધ્ય ભારતમાં તે રતનજ્યોત તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં તે પુષ્કળ ઉગે છે. ખેતરોમાંના પાકને પવનથી બચાવવા વાડ તરીકે ખેડૂતો તેને ઉગાડે છે. આપણા દેશમાં દરેક પ્રદેશમાં જંગલ કે પહાડી વિસ્તારમાં કુદરતી રીતે રતનજ્યોતનાં ઝાડ ઉગેલા જોવા મળે છે. રતનજ્યોતએ ‘યુફોર્બિએસી’ કુળની વનસ્પતિ છે. તેના પાન આકારમાં મોટા, પહોળા અને મુલાયમ હોય છે. તેનો આકાર એરંડાનાં પાન જેવો હોય છે. તેના ઝાડ 4 મીટર સુધી ઉચા થાય છે. જો ખાતર, પાણી અને પૂરતી દેખરેખ આપવામાં આવે તો તેથી પણ વધુ ઊંચા થાય છે. તેને એરંડા જેવાં કાંટા વગરનાં સંખ્યાબંધ ઝૂમખામાં ફળો આવે છે, જે પાકતા કાળા રંગના બીજ મળે છે. પ્રત્યેક ફળમાં ત્રણ બીજ હોય છે.