અમદાવાદ, કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધમાં આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઇવરોની હડતાળ જોવા મળી રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. સુરતના બીઆરટીએસ ડ્રાઇવરો પણ આ હડતાળમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને ૧૦ વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.
આ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે પર નાકાબંધી કરીને ચક્કાજામ કર્યો હતો. ગિર સોમનાથ જિલ્લામાં પણ ભારે વાહનચાલકોએ આ કાયદા અંગે વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો આ હડતાળમાં જોડાયા હતા. મહેસાણા જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ કર્યુ હતુ, અહીં રૉડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્ર્વર નજીક ચક્કાજામ કરાયો હતો.
તમને જણાવી દઈએ કે, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. સંગઠને નાકાબંધી કરવાની હાકલ કરી હતી. ત્યારથી દેશભરમાં હડતાળ શરૂ થઈ ગઈ છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે ૩૦ ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.