મહેસાણા, દિવાળી પછી શિયાળામાં કડી, કલોલ, ઇડર સહિત ઉત્તર ગુજરાતમાં ટામેટાના મબલખ પાકના કારણે ખેડૂતોને તળિયાના રૂ. ૨૦થી ૩૦ના ભાવે કિલો ટામેટા વેચવાની ફરજ પડી હતી. જોકે, હાલ આ સ્થાનિક ટામેટાની સિઝન નથી અને માવઠામાં રહ્યો સહ્યો પાક પણ બગાડી ગયો હતો. આવામાં નાસિક, બેંગ્લુરુ અને મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક પણ ઘટી છે. જેની સીધી અસર ભાવમાં દેખાઇ રહી છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટમાં રોજ થતી ૨૦ ટન ટામેટાની આવક હાલ ઘટીને ૮ ટન થઇ ગઇ છે. એટલે ટામેટાની ઓછી આવકના કારણે ભાવ પ્રતિ કિલો રૂ.૧૦૦ સુધી ઊંચકાયા હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે.
મહેસાણામાં મોટાભાગે મેથી ઓક્ટોબરમાં ટામેટા નાસિક, મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી વાયા અમદાવાદ થઇ વિવિધ હોલસેલ માર્કેટથી છુટક બજારો સુધી પહોંચે છે. સ્થાનિક ટામેટાની આવક ઓછી થતાં મહારાષ્ટ્રના ટામેટાની આવક પર માર્કેટ નિર્ભર રહે છે. મહેસાણા હોલસેલ શાકમાર્કેટના વેપારીઓનું કહેવું કે, છ મહિના સુધી કડી, કલોલ, ઇડર વિસ્તારમાંથી ટામેટા માર્કેટમાં આવતો હતો.
મબલખ પાક થતાં હોલસેલમાં ગત એપ્રિલ સુધી રૂ. ૮ થી ૧૦માં ખરીદી થઇ હતી અને છૂટકમાં રૂ.૨૦માં વેચાતાં હતાં. મે મહિના પછી સ્થાનિક ટામેટાનો પાક રહેતો નથી અને મહારાષ્ટ્ર, બેંગ્લુરુથી આવતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, મજૂરી વગરે ખર્ચ વધી જાય છે. આ સમયે ત્યાં પણ ટામેટાનો પાક ઓછો હોઇ માંગ કરતાં આવક ઓછી આવી રહી છે. રોજ ૨૦ ટન ટામેટા આવતા હતા, જે છેલ્લા અઠવાડિયાથી માંડ ૮ ટન આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે હોલસેલમાં પ્રતિ કિલો રૂ.૮૦એ પડી રહ્યા હોઇ છુટકમાં રૂ.૧૦૦ કે તેથી વધુ ભાવે વેચાય છે.
શાકમાર્કેટના વેપારીએ કહ્યું કે, કડી, કલોલ, ઇડર સાઇડથી દિવાળી પછી ઓક્ટોબરથી એપ્રિલમાં ટામેટાનો મબલખ પાક માર્કેટયાર્ડમાં આવે છે. આ સારા ટામેટાની સિઝન શિયાળામાં હોય છે. હાલ મહારાષ્ટ્ર, બેંગ્લુરુથી આવતા ટામેટાની અછતના કારણે ભાવ વધ્યા છે. જોકે, લાંબો સમય આ ભાવ વધારો ટકેલો રહેશે નહીં. પખવાડિયામાં ભાવ ઉતરવા લાગશે.