મહેસાણાના અંબર સોસાયટીની ગુમ થયેલી મહિલાનુ ગોધરા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું

ગોધરા, મહેસાણાના અંબર સોસાયટીમાં રહેતા શાંતાબેન બાબુભાઈ બાવા પરીવાર સાથે પાવાગઢ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને પાવાગઢ મંદિરેથી પરીવારથી વિખુટા પડી 3 દિવસથી ગુમ થઈ ગયા હતા. આ મહિલાની મદદ માટે એક જાગૃત નાગરિક દ્વારા તા.25મી મે નારોજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે એક અજાણી મહિલા ગોળ ગોળ આંટા ફેરા કરે છે. જે ફોનના આધારે અભયમની ટીમ સ્થળ ઉપર પહોંચી આ મહિલાનુ રેસ્ક્યુ કરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી. ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રીંકુબેન પંચાલ અને કેસ વર્કર મીનાબેન પટેલ દ્વારા મહિલાનુ સતત કાઉન્સેલીંગ કરતા આ મહિલા મહેસાણા જિલ્લાના અંબર સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગોધરા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રીંકુબેન પંચાલ અને કેસવર્કર મીનાબેન પટેલે મહેસાણા ઓ.એસ.સી.નો સંપર્ક કરીને આ મહિલાની તમામ વિગતો અને ફોટો આપવામાં આવ્યો હતો. મહેસાણા સખી વન સ્ટોપની ટીમે તેમના પરીવારનો સંપર્ક કરીને આ ફોટો અને વિગતો આપતા જ આ મહિલાના દિકરા એ જણાવ્યું હતું કે પાવાગઢ મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી મારી માતા વિખુટા પડી ગયેલા છે. મહેસાણા ઓ.એસ.સી.ની ટીમે ખરાઈ કરીને આ મહિલાના દીકરાને ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા માટે મોકલી આપ્યા હતા. જયારે ગોધરા પહોંચીને આ મહિલાને સહી સલામત જોઈ પરીવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો અને આ સખી વન સ્ટોપની ટીમે આ મહિલાને પોતાના દીકરાને સુપ્રત કરતા આ દીકરાએ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર માન્યો હતો.