મહેસાણા,
દેશભરમાં લોકોને વિદેશ જવાનો ચસકો લાગ્યો છે. જેના માટે તે કોઈ પણ હદ પાર કરે છે. હવે કેટલાક લોકો માટે કોઈ પણ ભોગે વિદેશ જવું એક ઘેલછા બની ગઈ છે. જેના કારણે આવા લોકો એજન્ટોને મોં માગ્યા પૈસા આપે છે. લોકો કાયદેસર કે ગેરકાયદે વિદેશ જવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કરે છે. તેમાના કેટલાક લોકો દેવું કરીને પણ વિદેશ જવા માટે આતુર હોય છે. જેના કારણે વિદેશ જવા માગતા લોકો સાથે છેતરપિંડી પણ થાય છે. તેવી જ એક ઘટના મહેસાણાના લીંચ ગામમાં સામે આવી છે.
લીંચ ગામના રહેવાસી દિનેશ પટેલ તેમના પુત્રને અમેરિકા મોકલવા માગતા હતાં. જેના માટે તેમને ૫૦ લાખ રુપિયા પટેલ જીનલ અને વ્યાસ કલ્પેશ નામના શખ્સોને આપ્યા હતા. પરંતુ દિનેશ પટેલના પુત્રને અમેરિકા નહીં પહોચાડતા દિનેશ પટેલે આરોપી જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ પાસે તેમના પૈસા પાછા માગતા, ૫ લાખ પરત કર્યા હતા. પુત્રને વિદેશ મોકલવાની લાલચમાં ૪૫ લાખનો ચુનો લાગ્યો છે. ૪૫ લાખ આપવાની ના પાડતા દિનેશ પટેલે લાંઘણજ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાંઘણજ પોલીસ આ કબૂતર બાજોને પકડવા માટે તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટના આવાર-નવાર જોવા મળે છે. જેના કારણે દરેક લોકોએ સજાગ રહેવું જોઈએ. જેનાથી આ પ્રકારની છેતરપિંડીથી દૂર રહી શકાય.