વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણામાં PM મોદીના કાર્યક્રમને લઇ તમામ સરકારી બેઠકો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની તમામ કચેરીમાં બેઠક અને અન્ય કાર્યક્રમ પણ રદ કરાયા છે.
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ મહેસાણા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. PM મોદીની સભા સ્થળે 100થી વધુ CCTV કેમેરા લગાવાશે. સભા સ્થળ, પાર્કિંગ સહિત અલગ-અલગ સ્થળો પર CCTV લગાવાશે. સૌપ્રથમવાર CCTV કેમેરાથી તંત્ર ચાંપતી નજર રાખશે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, PM મોદી આગામી 30 ઓક્ટોબરે ખેરાલુના ડભોડામાં સભા સંબોધશે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે તેવું પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું હતું. પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાને સંબોધન કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ 4778 કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડીયામાં હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.