મહેસાણાના જિલ્લામાંથી ફરી એકવાર સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. અગાઉ કડીથી જથ્થો સીઝ કર્યા બાદ હવે સતલાસણામાંથી ત્રણ સ્થળેથી અનાજનો જથ્થો હાથ લાગ્યો છે. સતલાસણા ના ગોળીયા પરા વિસ્તાર અને વામ સહિત મોલ પાસે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીને બાતમી મળતા તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
પુરવઠાની ટીમ દ્વારા આ અંગે સરકારી અનાજ હોવાની આશંકાને લઈ ૧૨ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલના રિપોર્ટ બાદ સ્પષ્ટ કરવામાં આવશે કે આ જથ્થો સરકારી હતો કે કેમ. સરકારી અનાજને બારોબાર જ સગેવગે કરવામાં આવતું હોવાની આશંકાને લઈ દરોડો પાડવામાં આવ્યો હતો. ૨૨ લાખ રુપિયાના અનાજનો જથ્થો હાલ તો સીઝ કરવામાં આવ્યો છે.