મહેસાણામાં રૂ૩.૬૦ કરોડના ખર્ચે ૨૦ ટન ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ બનશે

મહેસાણા, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત ગુજરાતમાંથી એકમાત્ર મહેસાણા નગરપાલિકા તેમજ વડોદરા અને જુનાગઢ એમ બે કોર્પોરેશનમાં બાયો મિથેનેશન પ્લાન્ટ (સીબીજી) મંજૂર કરાયો છે. આ ત્રણ શહેરમાંથી રોજ નીકળતા ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનનાર બાયોગેસ પ્લાન્ટ અંગે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પાલિકાએ કન્સલટન્ટ એજન્સી નીમી છે.

બાયો મિથેનેશન પ્લાન્ટ માટે દેશના ૭૫ પાલિકા અને કોર્પોરેશનના ઇજનરોને તા. ૨૭ અને ૨૮ જૂને દેશના સ્વચ્છતા મોડલ ઇન્દોરમાં તાલીમ સાથે કોર્પોરેશન હસ્તકના બાયોગેસ પ્લાન્ટની ફિલ્ડ મુલાકાત કરાવાશે તેમ મહેસાણા નગરપાલિકાના બાંધકામ ઇજનેર જતીનભાઇ પટેલે જણાવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન ૨.૦માં વડોદરામાં રૂ.૫.૪૦ કરોડના ખર્ચે ૩૦ ટન ક્ષમતા, જુનાગઢમાં રૂ.૪.૫૦ કરોડના ખર્ચે ૨૫ ટન ક્ષમતા અને મહેસાણામાં રૂ.૩.૬ કરોડના ખર્ચે ૨૦ ટન ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ (કોમ્પ્રેસ બાયોગેસ) મંજૂર કરાયો છે.

મહેસાણા પાલિકા તેમજ વડોદરા અને જુનાગઢ કોર્પોરેશને પ્લાન્ટ માટે ૧૫ સપ્ટેમ્બરે એક્શન પ્લાન તૈયાર કરી જુલાઇ ૨૦૨૪માં આ પ્લાન્ટ બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવેલી છે. આ પ્રોજેક્ટ માટે સરકારે ગ્રાન્ટ ફાળવતાં ડીપીઆર અને તાલીમ સાથે પ્રક્રિયા આગળ વધી છે. મહેસાણા નગરપાલિકાના બાંધકામ ઇજનેરે કહ્યું કે, શહેરમાં રોજ ઉત્પન્ન થતાં ૧૦૦ ટન કચરામાં અંદાજે ૪૦ ટન ભીનો કચરો હોય છે. આ ભીના કચરાને પ્લાન્ટમાં પ્રોસેસ કરી બાયોગેસ બનાવાશે. તેમાંથી નીકળતા વેસ્ટનો ખાતરમાં ઉપયોગ કરાશે.

જ્યારે બાયોગેસ શુદ્ધિકરણ કરી વાહનોમાં તેમજ રાંધણગેસમાં ઉપયોગ કરી શકાય, જનરેટરથી વીજળી ઉત્પન્ન કરી શકાશે. મહેસાણા શહેરમાં ડમ્પિંગ સાઇડ પર બાયોગેસ પ્લાન્ટથી ઉત્પન્ન ગેસને વીજળીમાં કન્વર્ટ કરી પાવર ગ્રીડમાં નાખીશું. ડમ્પિંગ સાઇડ પર બાજુમાં કચરાનો પ્રોસેસિંગનો પ્લાન્ટ બનનાર છે એટલે વીજળીમાં ઉપયોગી બની રહેશે. દોઢેક વર્ષ પહેલાં કરેલી દરખાસ્ત મંજૂર થઇ છે. પાલિકા ઇજનેર જતીન પટેલ અને પ્રાદેશિક કમિશ્ર્નર કચેરીના પર્યાવરણ ઇજનેર કાળુભાઇ કચ્છાવા બે દિવસ ઇન્દોર ખાતે વર્કશોપ તાલીમમાં જોડાનાર છે. જેઓ ઇન્દોર કોર્પોરેશન સંચાલિત પ્રતિ દિન ૫૦૦ ટન ક્ષમતાનો કોમ્પ્રેસ ગેસ જનરેટ કરતો પ્લાન્ટની મુલાકાત લઇ તેની વ્યવસ્થા અને કામગીરી નિહાળશે.