મહેસાણા જિલ્લામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવ્યા બાદ આરોપીના બે મિત્રોએ પણ સગીરાને બ્લેકમેલ કરીને અઘટિત માંગ કરતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, કડીમાં રહેતી 17 વર્ષીય સગીરા રક્ષબંધન પહેલા સોશિયલ મીડિયા મારફતે બુડાસણ ગામના હર્ષ મકવાણા નામના શખ્સ સાથે સંપર્કમાં આવી હતી, જે બાદ બંને વચ્ચે નંબરની આપલે થઈ હતી. ત્યારબાદ બંનેએ ફોન પર વાતચીત શરૂ કરી હતી. ધીરે-ધીરે મિત્રતા પ્રેમમાં તબદીલ થઈ હતી.
થોડા દિવસ પછી હર્ષ અને સગીરાએ મળવાનું નક્કી કર્યું હતું અને આ દરમિયાન હર્ષ મકવાણાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી અંગળ પળોનો વીડિયો બનાવી લીધો હતો. જે બાદ આ નરાધમે તેના મિત્રોને આ વીડિયો મોકલ્યો હતો. જેથી તેના બે મિત્રો આર્યન ચાવડા અને પીયૂષ ચાવડાએ પણ સગીરા પાસે અઘટિત માંગ કરી હતી.
જેથી સગીરા તાબે ન થતા આર્યન ચાવડાએ આ વીડિયો સગીરાના ભાઈને મોકલી દીધો હતો. આ વીડિયો જોઈ પરિવાર હચમચી ગયો હતો અને સીધો કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે આ આર્યન ચાવડાએ અગાઉ પણ એક યુવતી સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સોમવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાને ભગાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરનાર કડી તાલુકાના અમરનગર ગામના ખોડાજી ઠાકોરને 20 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો. સપ્ટેમ્બર 2019માં નરાધમે સગીરાને ભગાડી લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.