
મહેસાણા, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં તરભ ગામ નજીક અકસ્માતમાં બેના મોત થયા હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બધા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વિસનગર તાલુકાના તરભ ગામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેમા રોડની એક જ સાઇડ પર બંને સાઇડના વાહનો પસાર થઈ રહ્યા છે. આથી ઊંઝા તરફથી આવી રહેલી ઇકો કાર અને વિસનગર તરફથી આવી રહેલી તૂફાન જીપ વચ્ચે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. તેમા ઇકો કારમાં સવાર બેના મોત નીપજ્યા હતા અને અન્ય છ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાંપોલીસ આવી પહોંચી હતી. તેણે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડયા છે.
ઇકો કારમાં આવેલા લોકો ઊંઝા ગામથી લૌકિક ક્રિયા કરી પરત ફરી રહ્યા હતા અને વિસનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો વિસનગરથી આવી રહેલી જીપ સાથે અકસ્માત થયો હતો. તેમાં ઇકો કારમાં સવાર ગજેન્દ્ર કાંતિલાલ કંસારા અને રાજુભાઈ રસિકભાઈ કંસારાનું ઘટનાસ્થળે નિધન થયું હતું. જ્યારે બીજી છ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નૂતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે મૃતકોના કુટુંબમાં શોક પ્રસરી ગયો હતો.