મુંબઇ,
લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લે વર્ષ ૨૦૧૯માં ભારત માટે મેચ રમ્યો હતો. જો કે તે હજુ પણ આઇપીએલ રમી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ફેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એમએસ ધોની આઇપીએલ ૨૦૨૩ની તૈયારી કરતો જોવા મળે છે.
આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં મહેન્દ્ર સિંહ ધોની નેટ્સ પર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આઈપીએલની વાત કરીએ તો તે પોતાની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને ૪ વખત જીતાડી ચૂક્યો છે. તેમણે ૨૦૨૨માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના સ્થાને ફેન્ચાઈઝીએ દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો પરંતુ ૮ મેચ બાદ જાડેજાએ કેપ્ટનશીપમાં ખરાબ પ્રદર્શન કર્યું જેના કારણે ફરી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ઘોની વર્ષે ૨૦૧૯ બાદ પોતાના ઘર આંગણે રમ્યો નથી. કારણ કે, ૨ વર્ષ કોરોના મહામારીના કારણે આઈપીએલનું આયોજન ભારતથી બહાર કરવામાં આવ્યું હતુ. આઈપીએલ ૨૦૨૩માં મહેન્દ્ર સિંહ ધોની જ સીએસકે ની કેપ્ટનશીપ કરશે. સીએસકે આ વર્ષે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.