મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં વહેલી પરોઢીયે આગ, કરોડોનું નુકસાન

મહેમદાવાદ,

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ગુરુવારે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદ ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી છે.

મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ નામની ફેકટરીમાં ગુરુવારની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના વોચમેન તથા માલિકે તુરંત આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી નડિયાદના બે વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનુ એક વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ, વિદ્યાનગર, અમદાવાદના ૧-૧ વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા. આ લાખો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો.

આ તમામ ફાયર વિભાગોની ટીમે આગ બુઝાવવા માટે કામગીરી કરતાં અંતે આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો. જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી હતી. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી.