મહેમદાવાદ,ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરની સીમમાંથી પસાર થતી વાત્રક નદિના કિનારે આવેલા હનુમાનજી મંદિરના પુજારીની ગઈકાલે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ ચહેરા ઉપર બોથડ પદાર્થના ફટકા મારીને કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. મહેમદાવાદ પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં લુંટની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ ખાતે રહેતા કાળુભાઈ ફુલાભાઈ ભોઈ (ઉ. વ. ૫૭)છેલ્લા દશેક વર્ષથી ભુતનાથ મહાદેવ મંદિર નજીક વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરે સેવા-ડપુજા કરતા હતા અને મંદિરની ઓરડીમાં એકલા જ રહેતા હતા. ગઈકાલે રાત્રીના સુમારે કાળુભાઈ મંદિરના હવન કુંડ આગળ ખાટલામાં સુઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર તેમના માથાના ભાગે તેમજ ચહેરાના ભાગે ઉપરાછાપરી બોથડ પદાર્થના ફટકા મારી દેતાં સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. કાળુભાઈની હત્યા કર્યા બાદ હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સવારના દશેક વાગ્યાના સુમારે ઓધારભાઈ હેમરાજભાઈ રબારી નીત્યક્રમ મુજબ હનુમાનજી મંદિરે જતા જ તેમણે પુજારી કાળુભાઈને લોહીલુહાણ હાલતમાં ખાટલામાં જ મરણ ગયેલી હાલતમાં જોયા હતા. જેથી તેમણે તુરંત જ આસ્થાગ્રીનની પાછળ આવેલા ખેતરમાં રહેતા તેમના ભાઈ ભીખાભાઈને જાણ કરતા તેઓ પુત્ર સાથે મંદિરે આવી પહોંચ્યા હતા અને જોયું તો, કાળુભાઈનું મોઢુ છુંદાઈ ગયેલું અને લોહીલુહાણ હાલતમાં ખાટલમાં જ પડ્યા હતા. ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી આવી હતી. અને તપાસ કરતા તિજોરી ખુલ્લી અને તેનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મરણ જનારની લાશનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે ભીખાભાઈની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સો વિરૂધ હત્યાનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. પોલીસને ખાટલા, ભોંયતળીયે તેમજ દિવાલે પણ લોહીના ડાઘા મળી આવ્યા છે જેને લઈને પણ તપાસ ચલાવાઈ રહી છે. જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને જોતાં રાત્રીના સુમારે કેટલાક શખ્સો ચોરી કે લુંટના ઈરાદે ત્રાટક્યા હશે અને પુજારી જાગી જતા તેમણે પ્રતિકાર કરતા બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.
મહેમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર મદિર કે તેની આસપાસ કોઈ સીસીટીવી કેમેરા લગાવ્યા નથી, પરંતુ બહાર રોડ ઉપર આવેલી કેટલીક દુકાનો સહિતની જગ્યાઓના ફુટેજ મેળવીને તેના આધારે તપાસ ચલાવાઈ રહી છે. રાત્રીના સુમારે મંદિરે કોણ-કોણ આવ્યું હતુ તેની પણ વિગતો એકત્ર કરાઈ રહી છે. હત્યા પાછળ હાલમાં અનેક થીયરી ઉપર પોલીસની જુદી-જુદી ટીમો કામ કરી રહી છે.