મહબૂબા મુફ્તીએ શિવલિંગ પર જળાભિષેક કર્યો:આ ડ્રામા છે, તેમણે જ અમરનાથ માટે જમીન નહોતી આપી : ભાજપ

નવીદિલ્હી,

પીડીએફ ચીફ મહબૂબા મુફ્તીએ શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. જેને લઈને તેઓ ચર્ચામાં આવી ગયા છે. તેઓએ મંગળવારે એટલે કે ૧૪ માર્ચે પુંછના નવગ્રહ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવલિંગ પર પાણી ચઢાવ્યું હતું. તેમણે મંદિરમાં બનેલી યશપાલ શર્માની મૂર્તિ ઉપર પણ ફૂલ ચડાવ્યા હતા.ભાજપે મહબૂબાના મંદિર જવાને ડ્રામા ગણાવ્યો હતો. પાર્ટીએ કહ્યું હતું કે મહબૂબાએ જ અમરનાથ ધામ માટે જમીન આપવાથી મનાઈ કરી દીધી હતી. આની પહેલા મહબૂબા ૨૦૧૭માં ગાંદરબલના ખીર ભવાની મંદિરમાં પણ જઈ ચૂક્યા છે. ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પણ હતા.

મહબૂબાએ કહ્યું હતું કે આ મંદિર પીડીપીના મોટા નેતા યશપાલ શર્માએ બનાવ્યું હતું. તેમનો પુત્ર ઇચ્છતો હતો કે હું મંદિરની અંદર જાઉં. જ્યારે હું અંદર ગઈ, તો કોઈએ મને પાણીથી ભરેલો કળશ આપી દીધો હતો. જો હું પરત કરી દેત, તો ખોટું ગણાત. એટલે મેં પાણી ચઢાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રવક્તા રનબીર સિંહ પઠાનિયાએ કહ્યું હતું કે ૨૦૦૮માં મહબૂબા અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન આપવાનો વિરોધ કર્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આ જમીન પર નિવાસ સ્થાન બનવાનું હતું. હવે તેમનું મંદિરમાં જવું એ ડ્રામા છે. આનાથી કંઈ નહીં મળે. જો રાજનૈતિક ડ્રામાઓથી કંઈ મળતું હોત, તો જમ્મુ-કાશ્મીર આજે સમૃદ્ધીથી ભરેલો હતો.

દેવબંદના મૌલાના અસદ કાસમીએ મહબૂબાના મંદિર જવા અને ત્યાં શિવલિંગ પર પાણી ચડાવવાનો વિરોધ કર્યો હતો. કાસમીએ કહ્યું હતું કે ’મહબૂબાએ જે કર્યું છે, તે ખોટું છે. આ ઇસ્લામની વિરુદ્ધ છે.’