મહાવીર જયંતિએ શહેરમાં ચાલતા ક્તલખાના અને ચિકન-મટન શોપ બંધ રાખવા ભાજપના કોર્પોરેટરની માંગણી

અમદાવાદ,આગામી ૩ એપ્રિલના રોજ મહાવીર જયંતિને પગલે અમદાવાદમાં ક્તલખાના, ચિકન-મટન શોપ બંધ રાખવા માટે પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરી છે. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ મહાવીર જયંતિના દિવસે રાજ્યોમાં ક્તલખાના બંધ રાખવા આદેશ કર્યો છે, ત્યારે શહેરમાં ચાલતી તમામ ચિકન-મટનની દુકાનો પણ બંધ રાખવા માટે આદેશ કરવા માગ કરી છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમા જૈન સમાજની ઘણી વસ્તી છે. જૈન સમાજ આ તહેવાર “અહિંસા પરમો ધર્મ”ના સિદ્ધાંતને અનુસરી ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જૈનધર્મના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે ક્તલખાના, મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચિકન શોપ્સ બંધ રાખવામા આવે તે જરૂરી છે.

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ ૨૦ માર્ચ ૨૦૨૩ના રોજ તમામ રાજયોને આ દિવસે ક્તલખાના બંધ રાખવા એડવાઈઝરી પ્રસિધ કરી છે. જેથી આ પરંપરાને જાળવીને શહેરમાં ચાલતા રેગ્યુલેટેડ ક્તલખાના બંધ રાખવા તથા ક્તલખાના બંધ રહેતા હોવાથી માંસનું વેચાણ ન થઈ શકવાને કારણે મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચીકન શોપ્સ પણ બંધ રાખવા સૂચન કર્યું છે.