મહત્ત્વપૂર્ણ સમજૂતી

મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને ઉત્તેજન આપવા દરમ્યાન ભારતની ચાર દેશોના સમૂહ ઇએફટીએ સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) કરવી રોકાણ અને ટ્રેડને ગતિ આપવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. એફટીએ અંતર્ગત ઇએફટીએએ આગામી ૧૫ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ઘતા વ્યક્ત કરી છે. આ ભારતના એવા સમૂહ સાથે પહેલો આધુનિક વેપાર કરાર છે, જેમાં વિકસિત દેશ સામેલ છે. કોઈ વેપાર કરારમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે ઇએફટીએ આગામી ૧૫ વર્ષમાં મોટું રોકાણ કરશે. યુરોપીય મુક્ત વેપાર સંઘ (ઇએફટીએ)ના સદસ્ય દેશોમાં આઇસલેન્ડ, લીશટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સામેલ છે. આ સમજૂતીમાં માલમાં વેપાર, ઉત્પત્તિના નિયમ, બૌદ્ઘિક સંપદા અધિકાર (આઇપીઆર), સેવાઓમાં વેપાર, રોકાણ પ્રોત્સાહન અને સહયોગ, સરકારી ખરીદી, વેપારમાં ટેકનિકલ અડચણો અને વેપાર સુવિધા સામેલ છે. જોકે એફટીએનો જે અત્યાર સુધીનો ભારતનો અનુભવ છે, તેમાં વધુ ફાયદો ભાગીદાર દેશ કે સમૂહને જ મળ્યો છે. ઉદારીકરણ અને મુક્ત બજાર વ્યવસ્થામાં પણ આ જ હાલ થયા.

યુરોપીય મુક્ત વેપાર સંઘ સાથે એફટીએ બાદ હવે ભારતીય ઉદ્યમીઓ, સેવાઓ અને ઉત્પાદનોને યુરોપીય બજાર સુધી પહોંચ આસાન અને કિફાયતી થતી જશે. ભારત મુક્ત વેપાર સમજૂતી દ્વારા અમેરિકી કે ચીની બહુપક્ષીય ટ્રેડ જૂથમાં જવાને બદલે ગ્લોબલ ટ્રેડમાં પોતાના રણનીતિક વિસ્તારને ઉત્તેજન આપી રહ્યું છે. ભારત અને ઇએફટીએ આથક સંબંધોને ઉત્તેજન આપવા માટે જાન્યુઆરી, ૨૦૦૮થી સત્તાવાર રીતે વેપાર અને આથક ભાગીદારી સમજૂતી (ટીઇપીએ) સમજૂતી પર વાતચીત કરી રહ્યા હતા. તેમાં ૧૬ વર્ષ લાગ્યાં. બંને પક્ષોે ઓક્ટોબર, ૨૦૨૩માં ફરી વાર્તા શરૂ કરી અને તેને ઝડપથી પૂરી કરી. ઇએફટીએ દેશો યુરોપીય સંઘ (ઇયુ)નો હિસ્સો નથી. આ નવા એફટીએનું સ્વાગત થવું જોઇએ, પરંતુ ભારતે પોતાના મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અભિયાન પર પણ ધ્યાન રાખવું પડશે. એ સાવધાની પણ જરૂરી છે કે એફટીએથી ભારત એક ડંપિંગ દેશમાં તબદીલ ન થઈ જાય. ભારતે એફટીએમાં ઉપલબ્ધ અવસરોનો લાભ ઉઠાવવો જોઇએ. ભારત ૨૭ દેશોના સમૂહ યુરોપીય સંઘ સાથે અલગથી એક બૃહદ મુક્ત વેપાર કરાર માટે વાતચીત કરી રહ્યું છે. આના પહેલાં ભારતે યુએઇ તથા ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ મંત્રણાને ઝડપથી પૂરી કરવાની રણનીતિ અપનાવી હતી. ભારત-ઇએફટીએનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૧૮.૬૫ અબજ ડોલર રહ્યો હતો. તે ૨૦૨૧-૨૨માં ૨૭.૨૩ અબજ ડોલર હતો. આ દેશોમાં સ્વિટ્ઝરલેન્ડ, ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે. નવેમ્બર ૨૦૧૯માં ભારત ક્ષેત્રીય વ્યાપક આથક ભાગીદારી (આરસીઇપી)ની બહાર થઈ ગયું હતું. ત્યારબાદ ભારતે નીતિગત સ્તર પર એફટીએને ઉત્તેજન આપ્યું. ૨૦૨૧માં ભારત અને ઇયુની વાર્તા શરૂ થઈ. હાલમાં યુએઇ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે પણ વાતચીત ચાલુ છે. ભારતની મોરેશિયસ સાથે વ્યાપક આથક સહયોગ અને ભાગીદારી સમજૂતી છે. છેલ્લા એક દાયકામાં ભારતે દક્ષિણ પૂર્વ એશિયાઇ રાષ્ટ્ર સંઘ, દક્ષિણ કોરિયા, જાપાન અને મલેશિયા સાથે એફટીએ કર્યા છે.