મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ અને સમાજ સુધારક શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે કરી હતી “શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના

  • શ્રીમદ્ રાજચંદ્રજીની યાદમાં અહીં નિર્માણ પામ્યું છે ભવ્ય સ્મારક.
  • ઉત્તરસંડા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત થયો હતો આત્મસાક્ષાત્કારનો અનુભવ.

ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે સુપ્રસિદ્ધ ગ્રંથ “શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર” ની રચના કરી હતી. 125 વર્ષ પહેલા નડિયાદની આ પાવનભૂમિ પર માત્ર અઢી કલાકમાં જ એક જ સ્થળ પર બેસીને મદ રાજચંદ્રજીએ આ દિવ્ય ગ્રંથનું સર્જન કર્યું હતું. ગ્રંથ રચનાની સ્મૃતિના જતન માટે આ પવિત્ર સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા એક સુંદર અને ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં ” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના વખતની મુદ્રામાં શ્રીમદ્ રાજચંદ્રજી અને અંબાલાલભાઈની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે. ખંડની અંદર ઊભો કરેલો સંધ્યાકાળનો માહોલ એવો ભાસ કરાવે છે, જાણે “શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર”નું અવતરણ હમણાં જ થઈ રહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળ હસ્તાક્ષરરૂપે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” ને ટંકોત્કીર્ણ કરતી તકતીઓની હારમાળા અત્રેની સુંદરતા અને ભવ્યતામાં વૃદ્ધિ કરે છે.

આ ઉપરાંત સુશાંત સરોવરની વચ્ચે સુંદર પવિત્ર જલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની મધ્યમાં બિરાજે છે. શ્રીમદ્ રાજચંદ્રજીની ભવ્ય પ્રતિમા. આ મંદીરમાં આવતા દર્શનાર્થીઓ આત્મસિદ્ધિ અને આત્મશાંતિનો અનુભવ કરે છે. વળી, આ જલમંદિર ફરતે ચાલવાનો રસ્તો પણ બનાવેલો છે. અહીંની ડિવાઈન શોપમાં ” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” સંબંધી વિવિધ પ્રકાશનો તથા ઓડિયો-વીડિયો ઉપલબ્ધ છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતા એક મ્યુઝિયમનું નિર્માણ ટૂંક સમયમાં થવાનું છે.

આ ઉપરાંત વર્ષ 1890માં નડિયાદ નજીક આવેલા ઉત્તરસંડા ખાતે તળાવની નજીક આંબાના ઝાડ નીચે ધ્યાન ધરતા શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત આત્મસાક્ષાત્કારનો અનુભવ થયો હતો. હાલમાં આ વૃક્ષ ત્યાં અસ્તિત્વમાં નથી, પરંતુ ઘટનાના સાક્ષીરૂપ એક સ્મારક મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે. જે વન ક્ષેત્ર તરીકે ઓળખાય છે.