ગાંધીનગર,મહાઠગ કિરણ પટેલ મુદ્દે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની બહાર હોબાળો કર્યો હતો. વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. હાથમાં બેનર અને ધરણા પ્રદર્શન તેમજ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મહાઠગ કિરણ પટેલની સરકાર સાથે શું સાંઠગાંઠ છે તે અંગે મુખ્યપ્રધાને જવાબ આપવો જોઈએ.
ગુજરાત વિધાનસભાનું સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ જે મુદ્દા વિધાનસભામાં નથી ઉઠાવી શક્યુ તે મુદ્દા વિધાનસભાની બહાર વિરોધ સાથે પોતાની વાત મુકી જણાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો એકઠા થયા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર સુધી પહોંચી ગયો છે. તેણે કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી અને ગુજરાતમાં પણ જી ૨૦ના નામે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના નામે મીટિંગો બોલાવી છે. આ પરથી તેની પાછળ સીએમઓ અને પીએમઓના આશીર્વાદ હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતની છબી અને સુરક્ષાને લગતો આ મુદ્દો ગંભીર છે.