મહારાષ્ટ્રમાં ભડ ભડ સળગતી મહિલા રસ્તા પર દોડી, મોત:પેટ્રોલ છાંટી પતિએ પત્નીને જીવતી સળગાવી.

મહારાષ્ટ્રના પરભણીમાં પતિએ પત્નીને જીવતી સળગાવી હતી. આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું. પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે જણાવ્યું રહતું કે આરોપી ત્રીજી વખત પુત્રીનો પિતા બન્યો છે, જેના કારણે તેણે તેની પત્નીને જીવતી સળગાવીને હત્યા કરી હતી.

ખરેખર કુંડલિક કાલે તેની પત્ની અને બે પુત્રી સાથે પરભણીના ફ્લાયઓવર વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીએ ત્રીજી વખત પુત્રીને જન્મ આપ્યો હતો. સતત ત્રીજી વખત પુત્રીનો જન્મ થવાના કારણે કુંડલિક તેની પત્ની પર ગુસ્સે થયો હતો.કુંડલિકે 26મી ડિસેમ્બરે રાત્રે લગભગ 8 વાગ્યે તેની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગમાં સળગતી પત્નીના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તે રસ્તા પર દોડતી દેખાય છે. કેટલાક લોકો ચાદર અને પાણી વડે મહિલાની આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું.

તેની પત્નીની બહેને કુંડલિક સામે પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. પોલીસે આરોપી કુંડલિકની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતક મહિલાની બહેનનું નિવેદન નોંધવામાં આવ્યું છે.