મુંબઈ, મહારાષ્ટ્રમાં અસલી શિવસેના પર દાવેદારીની દોઢ વર્ષની લડાઈમાં બુધવારે નવો વળાંક આવ્યો જ્યારે વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં સમયના છેલ્લા દિવસે પોતાનો ચુકાદો આપ્યો. રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથને રાહત આપતા જાહેરાત કરી કે અસલી શિવસેના તેની છે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા નિયમોને બાજુ પર રાખી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સ્પીકરની જાહેરાતની સાથે મુખ્યમંત્રી શિંદે સહિત ૧૬ ધારાસભ્યો પર જે અયોગ્યતાની તલવાર લટકી રહી હતી, તે હવે હટી ગઈ છે. આ ચુકાદા બાદ મુંબઈથી લઈને નાસિક સુધી શિંદે જૂથના સમર્થક જશ્ર્ન મનાવી રહ્યાં છે તો હવે સવાલ છે કે શિવસેના-યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પાસે શું વિકલ્પ છે?
વિધાનસભા સ્પીકરના નિર્ણય બાદ પૂર્વ મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તે સ્પષ્ટ કર્યું કે તે આ મામલામાં કાયદાકીય લડાઈ લડશે અને કોર્ટનો દરવાજો ખખડાવશે. તો શિવસેના-યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવતા ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાને કોર્ટમાં લઈ જવામાં આવશે. હકીક્તમાં હવે ઠાકરે પરિવારની પાસે આ એક વિકલ્પ બાકી છે. કારણ કે આ પહેલા ચૂંટણી પંચ શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપી ચુકી છે.
હકીક્તમાં ૨૦૨૨માં શિવસેનામાં વિદ્રોહ બાદ એકનાથ શિંદેએ અલગ પાર્ટી બનાવી લીધી અને ભાજપના સમર્થનમાં ઉભી રહી, જેનાથી મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ. બીજીતરફ સંયુક્ત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વ્હિપ જારી કરી શિંદે જૂથના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વ્હિપને પણ સ્પીકરે ગેરકાયદેસર ગણાવી દીધુ છે. ભાજપની સાથે સરકાર બનાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથે એકબીજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે.
શિંદે જૂથ જ્યાં રાજ્યભરમાં જશ્ર્નમાં ડૂબી છે તો ઠાકરે જૂથની પાર્ટી શિવસેના-યુબીટીની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પાર્ટી કાર્યર્ક્તા આ ચુકાદાનો વિરોધ કરી રહ્યાં છે. કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે, જ્યારે પોલીસની ઘણી ગાડીઓ હાજર છે.