મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ હિન્દુત્વનો મુદ્દો વધુ આક્રમક રીતે ઉઠાવશે.

ભારતીય જનતા પાર્ટીએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ખાસ રણનીતિ બનાવી છે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ હિન્દુત્વનો મુદ્દો વધુ આક્રમક રીતે ઉઠાવશે. ભાજપ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વોટ જેહાદ, લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિત હિન્દુત્વ સાથે જોડાયેલા તમામ મુખ્ય મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવશે.

૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં મુસ્લિમ મતોના ધ્રુવીકરણને કારણે ભાજપને મહારાષ્ટ્રમાં ઘણું નુક્સાન સહન કરવું પડ્યું હતું. તેથી સમગ્ર રાજ્યમાં વોટ જેહાદ સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જરૂર પડશે તો વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન હિંદુ મોરચાઓનું પણ આયોજન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બીજેપી અને રાજ્ય આરએસએસના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ભાજપ ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરશે.૪૮ લોક્સભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં માત્ર ૯ બેઠકો જીતવામાં સફળ રહી છે. ૨૦૧૯માં ભાજપને ૨૫ બેઠકો મળી હતી. આ વખતે રાજ્યમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેથી, આ વખતે પક્ષના ટોચના નેતાઓ ખોવાયેલો આધાર પાછો લાવવા માટે ખાસ હિન્દુત્વની રણનીતિ પર કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અન્ય પક્ષોએ પણ પોતપોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શરદ પવારના જૂથની એનસીપી ચૂંટણીમાં મરાઠા આરક્ષણ અને ખેડૂતોના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવવા જઈ રહી છે. શરદ પવાર મરાઠા આરક્ષણ અને ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે રાજ્યના સીએમ એકનાથ શિંદેને પણ મળ્યા છે.