મુંબઇ,
૨૭ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ સત્ર ૨૫ માર્ચ સુધી ચાલશે. ૯ માર્ચે બજેટ રજૂ થશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બજેટ રજૂ કરશે. સત્તામાં આવ્યા બાદ શિંદે-ફડણવીસ સરકારનું આ પહેલું બજેટ છે. તેથી આ નવા બજેટમાં ચોક્કસ શું જાહેરાત કરવામાં આવશે તેના પર સૌનું ધ્યાન રહેશે.
૯ માર્ચે બપોરે ૨ વાગ્યે બજેટ સત્રમાં બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલાં ૮મી માર્ચે મહારાષ્ટ્રનો નાણાકીય નિરીક્ષણ અહેવાલ રજૂ થવા જઈ રહ્યો છે. હાલમાં રાજ્ય મંત્રીમંડળની રચનામાં કોઈ રાજ્યમંત્રી નથી. તેથી સત્ર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય અને નાણાં રાજ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે નહીં તો વિધાન પરિષદમાં બજેટ કોણ રજૂ કરશે તેવો સવાલ ઊઠી રહ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અત્યાર સુધીમાં મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન, વિપક્ષના નેતા, નાયબ મુખ્યપ્રધાન જેવા અનેક પદો સંભાળી ચૂક્યા છે. જોકે, નાણાંપ્રધાન તરીકે આ તેમનું પ્રથમ બજેટ હશે. તેથી આ બજેટને ફડણવીસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધારાસભ્ય તરીકે, તેમણે બજેટ કેવી રીતે વાંચવું તે અંગે પુસ્તક લખ્યું છે. ફડણવીસે બજેટના વિષય પર ઘણા ભાષણો પણ આપ્યા છે.
સત્તાધારી શિવસેના અને ભાજપ માટે આ બજેટ મહત્ત્વનું સાબિત થવાનું છે. કારણ કે સત્તામાં આવ્યા બાદ સરકારનું આ પ્રથમ બજેટ છે. આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ઉપરાંત, મુંબઈ, થાણે, નાગપુર મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પરિષદો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આથી ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ બજેટમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત કૃષિ, જાહેર આરોગ્ય, તબીબી શિક્ષણ, સિંચાઈ, ઊર્જા વગેરે વિભાગોને બજેટમાં માપ મળશે કે કેમ તે જોવાનું પણ મહત્ત્વનું રહેશે.