મુંબઈ,
વિધાન પરિષદનું સભાપતિપદ હજી સુધી ખાલી પડ્યું છે ત્યારે ઉપસભાપતિને અધિકાર હોય છે આમ છતાં વિધાનમંડળ સંબંધે કોઈપણ નિર્ણય લેતી વખતે વિધાનસભા અધ્યક્ષે વિધાન પરિષદના ઉપસભાપતિનો મત મગાવવામાં આવતો નથી એવી નારાજગી ઉપસભાપતિ નીલમ ગોરેએ વિધાન પરિષદમાં વ્યક્ત કરી હતી.
આ પહેલાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા તેની જાણકારી ઉપસભાપતિને આપવામાં આવી નહોતી એમ જણાવતાં તેમણે એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો કે શું હું ફક્ત સભાગૃહ પૂરતી જ ઉપસભાપતિ છું? નીલમ ગોરેના આ નિવેદનને પગલે વિધાનમંડળના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓમાં આપસી મતભેદ હોવાનું બહાર આવ્યું છે. પહેલાં કોઈપણ નિર્ણય લેતી વખતે અધ્યક્ષ અને સભાપતિની બેઠક થતી હતી. હવે આ બેઠકો થતી નથી, એમ પણ ગોરેએ કહ્યું હતું.
એનસીપીના શશિકાંત શિંદેએ વિધાન પરિષદના સભ્યોને વિધાનમંડળના પાસ આપવાના અધિકાર અંગે પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યો હતો. સભાપતિના અધિકાર અબાધિત રહેવા જોઈએ એવું વલણ શિક્ષક સભ્ય કપિલ પાટીલે પણ આ વખતે બોલતાં અપનાવ્યું હતું.
આ બાબતે સરકાર વતી બોલતાં સંસદીય કાર્ય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને વન ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે સભાગૃહમાં આવી બાબતોની ચર્ચા કરવી યોગ્ય નથી. આ બાબતે અધ્યક્ષ સાથે વાત કરીને જૂથનેતાની બેઠકમાં તેનું નિરાકરણ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ પહેલાંના સમયમાં પણ અધ્યક્ષને વિશ્ર્વાસમાં લીધા વગર સભાપતિએ નિર્ણયો લીધા હોવાનું મુનગંટીવારે ધ્યાનમાં લાવી આપ્યું હતું.