મહારાષ્ટ્ર, યુપી માટે ઘટક પક્ષો સાથે કોંગ્રેસની બેઠક વહેંચણીની વાટાઘાટ

નવીદિલ્હી,કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે તથા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે આગામી લોક્સભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી માટે પ્રારંભિક વાટાઘાટો કરી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકના નિવાસસ્થાને બેઠક વહેંચણીની વાટાઘાટો યોજાઈ હતી.મુકલ વાસનિક કોંગ્રેસની બેઠક વહેંચણી સમિતિના કન્વીનર છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સલમાન ખુર્શીદ, શિવેસના (યુબીટી)ના સંજય રાઉત પણ ચર્ચા દરમિયાન હાજર હતા.

વાસનિકના ઘરે મહારાષ્ટ્ર અને પછી ઉત્તરપ્રદેશ માટે બેઠક વહેંચણીની વાટાઘાટો થઈ હતી. એનસીપી નેતા આવ્હાડે જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે શિવસેના વધુ સીટો પર ચૂંટણી લડવા માંગે છે અને તેના પર શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વાતચીત ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં ૪૮ લોક્સભા બેઠકો છે અને કોંગ્રેસ ૨૬ બેઠકો માંગી રહી છે, જ્યારે શિવસેના ૨૩ બેઠકોની માંગણી કરી રહી છે. જોકે એનસીપીએ હવે આંકડો જાહેર કર્યો નથી. ત્રણેય પક્ષોના ટોચના નેતાઓ વચ્ચે ફરીથી વાટાઘાટો થશે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ૧૪ અને ૧૫ જાન્યુઆરીઓ સોનિયા ગાંધી સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. અમે દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં ગઠબંધનમાં ચૂંટણી લડવા માગીએ છીએ. અત્યાર સુધી સકારાત્મક ચર્ચાઓ થઈ છે. પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક છે તે અંગે પૂછવામાં આવતા આપ નેતાએ કહ્યું કે આ રાજ્યોમાં ચોક્કસ બેઠકો પર કોઈ ચર્ચા થઈ નથી. દિલ્હી અને પંજાબમાં આપઁ સત્તા પર છે. બંને રાજ્યોમાં કોંગ્રેસના એકમો આપ સાથે કોઈપણ સમજૂતીનો વિરોધ કરી છે. કોંગ્રેસ બીજા રાજ્યોમાં આપને બેઠક આપવા માગતી નથી.