મહારાષ્ટ્ર સરકારની વધતી જતી સમસ્યાઓ, હવે ગોંડ ગોવારી સમુદાયે અનામતની માંગ કરી

મુંબઇ : મહારાષ્ટ્રમાં આ દિવસોમાં અનામતની આગ લાગી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. વાસ્તવમાં હવે રાજ્યના દરેક વર્ગે અનામતની માંગણી શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ગોંડ ગોવારી જમાતીના હજારો લોકો નાગપુર પહોંચ્યા અને અનામતમાં ફેરફારને લઈને નાગપુરના મુખ્ય માર્ગો બ્લોક કરી દીધા. મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાંથી અહીં આવેલા આ લોકો પોતાની માંગણીઓના પોસ્ટર અને બેનરો લઈને નાગપુર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે આ પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા પણ હજારોમાં હતી. અહીં તેઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફરી એકવાર સરકાર સમક્ષ પોતાની અલગ-અલગ માંગણીઓ વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે આ માંગણીઓને લઈને ગોવારી સમુદાયના ૩ લોકો નાગપુરના નાગપુર સંવિધાન ચોક પર છેલ્લા ૧૧ દિવસથી ભૂખ હડતાળ પર છે. ગોંડ ગોવારીના આ પ્રદર્શનને કોંગ્રેસનું સમર્થન પણ મળ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અયક્ષ નાના પટોલે પણ વિરોધ કરી રહેલા ગોંડ ગોવારી સમુદાયના લોકો સુધી પહોંચ્યા છે અને તેમની માંગણીઓને યોગ્ય ઠેરવી છે.

નોંધનીય છે કે મરાઠા સમુદાય માટે આરક્ષણની માગણી કરી રહેલા કાર્યર્ક્તા મનોજ જરાંગે ૨૭ જાન્યુઆરીએ નવી મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા બાદ તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હતી. જરાંગે પોતાની માંગણીઓને લઈને એક દિવસ પહેલા જ ભૂખ હડતાળ શરૂ કરી હતી. શિંદે નવી મુંબઈના વાશીમાં જરાંગેને મળ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે જરંગાને તેમની વિવિધ માંગણીઓ અંગે એક ડ્રાટ વટહુકમ મોકલ્યો હતો. મનોજ જરાંગે પોતાનો વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કરી અને કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે તેમની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.