
મુંબઇ, મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ફરી એકવાર ૨૦૨૪માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી રહ્યા છે અને આપણે નરેન્દ્ર મોદીની સરકારને પરત લાવવાના પ્રયાસો કરવા પડશે. પવારે કહ્યું કે આજે હું સંતોના આશીર્વાદ લેવા મરાઠવાડા આવ્યું છુ. અમે કહેલા દરેક શબ્દનું પાલન કરનારા લોકો છીએ.
અજિત પવારે કહ્યું કે હું એક ખેડૂતનો દીકરો છું, તેથી હું ખેડૂતોની શક્ય એટલી મદદ કરવા માંગુ છું. આ સાથે તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડે અને વિલાસરાવ દેશમુખ અલગ-અલગ પાર્ટીમાં હતા, પરંતુ તેમની મિત્રતા હંમેશા અકબંધ હતી.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિ સરકારની ભૂમિકા ખેડૂતોને મદદ કરવાની છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારનો વિચાર એક જ છે. પવારે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સારી ઓળખ મળી છે અને અમે સારા કાર્યો માટે તેનો લાભ લઈશું.
આ સાથે તેમણે કહ્યું કે બીડ જિલ્લાના પાલક મંત્રી એનસીપીના હશે. સાથે જ પોતાના ટીકાકારો માટે તેમણે કહ્યું કે જે લોકો અમને નિશાન બનાવે છે તેમને હું મારા કામથી જવાબ આપું છું. તેમણે કહ્યું કે અત્યારે આપણે ૨૦૨૪માં ફરી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર લાવવાના પ્રયાસો કરવાના છે.