- પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા કોંગ્રેસી નેતાઓને સામેલ કરવા બદલ ભાજપની ટીકા સાચી છે,ભુજબળ
લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં બધુ બરાબર જણાતું નથી. પહેલા એનસીપીએ કેન્દ્રીય રાજ્ય મંત્રી પદની ઓફરને ફગાવી દીધી અને હવે તેના નેતાઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળે ભાજપની સીટો ઓછી હોવા પર પ્રહારો કર્યા છે.
આરએસએસના નજીકના ગણાતા સાપ્તાહિક મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં છપાયેલા લેખ પર પ્રતિક્રિયા આપતા છગન ભુજબળે ભાજપ પર નિશાન સાયું છે. લેખમાં એનસીપી સાથે ગઠબંધન કરવા બદલ ભાજપની ટીકા કરવામાં આવી હતી. ભુજબળે કહ્યું કે આ લેખ અમુક અંશે સાચો છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા કોંગ્રેસી નેતાઓને સામેલ કરવા બદલ ભાજપની ટીકા સાચી છે.
એનસીપીના નેતાએ કહ્યું, લોક્સભાની ચૂંટણીમાં અમને ૪૮માંથી માત્ર ૪ બેઠકો આપવામાં આવી હતી. તે ૪માંથી ૨ બેઠકો અમારી પાસેથી છીનવી લેવામાં આવી. તેથી, આ ૨ બેઠકોમાંથી, રાયગઢ અને બારામતીમાંથી અમે ૧ બેઠક જીતી. હવે કોઈ કેવી રીતે કહી શકે કે અમે ૪૮ બેઠકો પર ચૂંટણી લડ્યા, અમને માત્ર ૨ બેઠકો મળી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને આટલી ઓછી બેઠકો મળશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. તેથી અજિત પવાર જૂથને દોષ આપવો યોગ્ય નથી.
એનસીપી યુવા પાંખના નેતા સૂરજ ચવ્હાણે પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે ભાજપ સારું પ્રદર્શન કરે છે ત્યારે તેનો શ્રેય આરએસએસને જાય છે, પરંતુ હારનો દોષ અજિત પવાર પર નાખવામાં આવી રહ્યો છે. આનો વિરોધ કરતાં ભાજપના એમએલસી પ્રવીણ દારેકરે કહ્યું કે આરએસએસ આપણા બધા માટે પિતા સમાન છે. આરએસએસ વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સૂરજ ચવ્હાણે વિચાર્યા વગર કશું પણ બોલવું જોઈએ નહીં.